

ગાંધીનગર, 15 નવેમ્બર (હિ.સ.) : આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર તથા ગાંધીનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તા. ૧૫ નવેમ્બર ૨૦૨૬ ના રોજ ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મ જયંતી નિમિત્તે ગાંધીનગરના સેક્ટર-૧૨ ખાતે આવેલા આંબેડકર હોલમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના મેયર રૂપસિંગ ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયેલા આ સમારોહમાં સહ પ્રવક્તા, ગુજરાત પ્રદેશ તેમજ વડોદરાના ભૂતપૂર્વ મેયર અને મુખ્ય વક્તા ડૉ. ભરતભાઈ ડાંગર, ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર અંજનાબેન મહેતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મહેન્દ્રભાઈ પટેલ (દાસ), શહેર પ્રમુખ આશિષભાઈ દવે સહિત મહાનગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો શુભારંભ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે, દીપ પ્રાગટ્ય અને ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવોએ આદિવાસી સંસ્કૃતિની ઓળખ સમાન પરંપરાગત કોટી ધારણ કરી જનજાતીય સમાજ પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. મેયર રૂપસિંગ ઠાકોરે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં ભગવાન બિરસા મુંડાના જીવન-કવન તેમજ દેશની સ્વતંત્રતા અને આદિવાસી સમાજના ઉત્થાન માટે તેમણે આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મુખ્ય વક્તા ડૉ. ભરતભાઈ ડાંગરે સંબોધન કરતા જણાવ્યું હતું કે, આદિજાતિ સમાજનો યુવાન શિક્ષિત બને અને વ્યસનમુક્ત બને તે માટે ભગવાન બિરસા મુંડાએ તે સમયે સમાજ સુધારણાનું ભગીરથ કાર્ય કર્યું હતું, અને આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ તે જ વિચારધારાને આગળ ધપાવી નશામુક્ત અને સશક્ત સમાજના નિર્માણ માટે સતત પ્રયાસો કરી રહ્યા છે.
આ ગૌરવશાળી સમારોહ દરમિયાન આદિજાતિના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને રમતવીરોને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં આદિવાસી સમાજના કલાકારો દ્વારા રજૂ કરવામાં આવેલી પરંપરાગત લોક નૃત્યની પ્રસ્તુતિ સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. કાર્યક્રમના અંતે વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર દેશ સાથે જોડાયા હતા, જેમના રાષ્ટ્રજોગ પ્રેરક સંબોધનનું જીવંત પ્રસારણ હોલમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો અને નાગરિકોએ સાથે મળીને નિહાળ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ