



- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર ખાતે રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ.
- નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રીમંડળના સભ્યો વિવિધ જિલ્લાઓમાં સહભાગી બની આદિજાતિ સમાજના ગૌરવશાળી વારસાને બિરદાવ્યો.
ગાંધીનગર, 15 નવેમ્બર (હિ.સ.) : ભારતના મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની 'ધરતી આબા' ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ આજે ૧૫મી નવેમ્બરે 'જનજાતીય ગૌરવ દિવસ-૨૦૨૬'ની ભવ્ય અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ઉજવાઈ રહેલા 'જનજાતીય ગૌરવ સપ્તાહ' અંતર્ગત રાજ્યના આદિજાતિ તેમજ બિનઆદિજાતિ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ સ્થળોએ ઉપસ્થિત જનસમુદાયે મહારાષ્ટ્રના ગઢચિરોલી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી માર્ગદર્શન મેળવ્યું હતું.
ગુજરાતમાં રાજ્ય કક્ષાનો મુખ્ય સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને, છોટાઉદેપુર ખાતે યોજાયો હતો. જ્યાંથી મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી ડાંગ સહિતના વિવિધ જિલ્લાઓમાં કરોડો રૂપિયાના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા. આ અવસરે રાજ્ય સરકાર દ્વારા વન અધિકાર અધિનિયમ હેઠળ એક જ દિવસમાં રાજ્યના ૧૮ હજારથી વધુ આદિવાસી પરિવારોને, જંગલની જમીનના માલિકી હકો અને રેકોર્ડ ઓફ રાઈટ્સ એનાયત કરવામાં આવ્યા હતા, તેમજ દેડિયાપાડા ખાતે રૂ. ૩૫ કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું હતું.
આ ઉપરાંત વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં, ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રીએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો અને પરંપરાગત આદિવાસી નૃત્યમાં સહભાગી થઈ સમાજનો ઉત્સાહ વધાર્યો હતો.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૧માં નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની ધુરા સંભાળ્યા બાદ વનબંધુ કલ્યાણ યોજના થકી આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓનો અભૂતપૂર્વ વિસ્તાર થયો છે, જેના પરિણામે આજે આદિવાસી સમાજના યુવાનો પાઈલટ, કલેક્ટર, એસ.પી. અને ડોક્ટર બનીને દેશનું નામ રોશન કરી રહ્યા છે. નાનાપોંઢા ખાતે નાયબ મુખ્યમંત્રીના હસ્તે રૂ. ૪૮.૩૧ કરોડના વિવિધ વિકાસકામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
રાજ્ય મંત્રીમંડળના સભ્યોએ પણ વિવિધ જિલ્લાઓમાં ઉપસ્થિત રહી આદિજાતિ સમાજના શૌર્ય અને સંસ્કૃતિને વંદન કર્યા હતા.
જેમાં, ડાંગ જિલ્લાના આહવા ખાતે નાણા મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલા સમારોહમાં ૧,૫૦૧ લાભાર્થીઓને રૂ. ૧૮૧.૨૩ લાખની સહાય અર્પણ કરવાની સાથે જિલ્લાના ત્રણ મુખ્ય માર્ગોનું 'ભગવાન બિરસા મુંડા પથ' તરીકે નામકરણ કરવામાં આવ્યું હતું.
જ્યારે બનાસકાંઠાના દાંતા ખાતે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરી વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું. મંત્રીએ જંગલ, જળ અને પ્રકૃતિના જતન સાથે રાષ્ટ્રનિર્માણમાં આદિવાસી સમાજના અનન્ય યોગદાનને બિરદાવ્યું હતું.
આ ઉપરાંત, નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં વન અધિકાર પત્રોનું વિતરણ કરાયું હતું તથા નર્મદા જિલ્લામાં નવી મહિલા આઈ.ટી.આઈ. શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી.
ગાંધીનગર ખાતે ખાદી ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં માનગઢથી લઈને દઢવાવ હત્યાકાંડ સુધીના આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરી પ્રતિભાશાળી યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
સમગ્ર રાજ્યમાં યોજાયેલા આ કાર્યક્રમોમાં તાપી ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ડેડિયાપાડા ખાતે સાંસદ મનસુખભાઈ વસાવા, મોરબીમાં સાંસદ રાજેશભાઈ, ભાવનગરમાં રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર, ખેડામાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અમરેલીમાં ડૉ. ભરતભાઈ બોઘરા તેમજ અમદાવાદ, પાટણ, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં ધારાસભ્યઓ, પદાધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓએ ઉપસ્થિત રહી આદિવાસી સંસ્કૃતિ, પરંપરાગત લોકનૃત્યો અને વિકાસયાત્રાની ઉજવણીમાં સહભાગી થઈ વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં આદિજાતિ સમાજના સક્રિય યોગદાનનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ