
બોટાદ,15 નવેમ્બર (હિ.સ.)બોટાદ જિલ્લામાં ગેરકાયદેસર ઓનલાઇન મની ગેમિંગ અને જુગારની પ્રવૃત્તિઓ સામે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદેસર ઓનલાઇન મની ગેમિંગ પ્લેટફોર્મ વિકસાવી તેનું સંચાલન કરતા ગઢડાના લીંબાળી ગામના એક શખ્સને પોલીસે રૂ. 20 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.
રાજ્ય સરકારની સૂચનાઓના પગલે બોટાદ પોલીસ દ્વારા ઓનલાઇન મની ગેમિંગ અને જુગારના નેટવર્ક સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. યુવાધનને ઓનલાઇન જુગારની લતથી બચાવવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના હેતુથી LCB દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, કેટલાક ઈસમો ડોમેઈન કંપનીઓ પાસેથી ઓનલાઇન ડોમેઈન ખરીદી ગેરકાયદેસર મની ગેમિંગ વેબસાઇટ્સ અને પ્રતિબંધિત પોર્ટલ શરૂ કરી તેનું સંચાલન કરતા હતા. આવા પ્લેટફોર્મ મારફતે લોકોને લલચામણી સ્કીમો આપી સટ્ટા અને ઓનલાઇન ગેમિંગમાં જોડવામાં આવતા હતા. એટલું જ નહીં, પેમેન્ટની સુવિધા પૂરી પાડી ભાડે રાખેલા બેંક ખાતાઓ મારફતે નાણાંની હેરાફેરી કરવામાં આવતી હોવાની વિગતો પણ તપાસમાં બહાર આવી હતી.
ધ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઇન ગેમિંગ એક્ટ, 2025 હેઠળ અગાઉ નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન આરોપી સંજયભાઈ લાખાભાઈ ખેરાળાની સંડોવણી સામે આવી હતી. જેથી પોલીસે હાલ બોટાદના ગઢડા રોડ પર ગોપીનાથ શેરીમાં રહેતા અને મૂળ ગઢડા તાલુકાના લીંબાળી ગામના સંજયભાઈ ખેરાળાને ઝડપી પાડ્યો હતો.
પોલીસે રૂ. 20 હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીથી ગેરકાયદેસર ઓનલાઇન મની ગેમિંગ નેટવર્ક ચલાવતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA