બિરસા મુંડાની 151મી જન્મજયંતીએ ભાવનગરમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી
ભાવનગર,15 નવેમ્બર (હિ.સ.)ભાવનગરના યશવંતરાય નાટ્યગૃહ ખાતે ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે જિલ્લા કક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગનાં અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થ
બિરસા મુંડા જન્મ જયંતિ ની ઉજવણી


ભાવનગર,15 નવેમ્બર (હિ.સ.)ભાવનગરના યશવંતરાય નાટ્યગૃહ ખાતે ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે જિલ્લા કક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગનાં અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને અને મેયર ઉષાબેન તલરેજાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા.

ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજ શાસનના અન્યાય અને શોષણ સામે આદિવાસી સમાજને સંગઠિત કરી જળ, જંગલ અને જમીનના અધિકારો માટે સંઘર્ષ કર્યો હતો. તેમનું જીવન સાહસ, સ્વાભિમાન અને રાષ્ટ્રસેવાની ભાવનાની પ્રેરણા આપે છે. બાળકોને શિક્ષણ, સંસ્કાર અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવું સમાજની સહિયારી જવાબદારી છે.

મેયર ઉષાબેન તલરેજાએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજની ગૌરવશાળી સંસ્કૃતિ અને પરંપરા દેશની અમૂલ્ય ધરોહર છે. યુવા પેઢીએ બિરસા મુંડાના જીવનમાંથી આત્મસન્માન, સંગઠન અને શિક્ષણનું મહત્ત્વ સમજવું જોઈએ.

કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ તેમજ રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું. આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ અને સિદ્ધિઓ અંગેની ડોક્યુમેન્ટરી તથા વડાપ્રધાનના વર્ચ્યુઅલ સંબોધનનું જીવંત પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું હતું.

પ્રારંભે આત્મા ઉન્નતિ યુવક મંડળના કલાકારોએ પરંપરાગત આદિવાસી લોકનૃત્ય રજૂ કર્યું હતું. કાર્યક્રમના અંતે આદિજાતિ વિકાસ અધિકારી કાજલબેન ચાવડાએ આભારવિધિ કરી હતી. ઉલ્લેખનીય છે કે, 12થી 18 નવેમ્બર દરમિયાન રાજ્યભરમાં જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande