
ભાવનગર,15 નવેમ્બર (હિ.સ.)પશુપાલકોની જીવાદોરી સમાન સર્વોત્તમ ડેરી દ્વારા 73મા અખિલ ભારતીય સહકાર સપ્તાહ અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન સર્વોત્તમ દાણ ફેક્ટરી, સર ખાતે કરવામાં આવ્યું છે. 15 નવેમ્બરના રોજ બીજા દિવસની ઉજવણી ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર. જોષીના અધ્યક્ષસ્થાને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. જેમાં ડિરેક્ટરો, અધિકારીઓ તેમજ સંલગ્ન મંડળીઓના પ્રમુખો, મંત્રીઓ અને કમિટીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં સફળ પશુપાલક રવિરાજસિંહ પરમારે આધુનિક પશુપાલનના અનુભવો રજૂ કર્યા હતા. વ્યવસાયે એડવોકેટ હોવા છતાં તેઓ મંડળીના મંત્રી તરીકે પણ કામગીરી કરે છે અને દરરોજ 500થી 600 લીટર દૂધનું ઉત્પાદન કરે છે. તેમણે જણાવ્યું કે છેલ્લા 10 વર્ષથી સર્વોત્તમ દાણનો ઉપયોગ કરવાથી પશુપાલનમાં સારી સફળતા મળી છે. ડેરી તરફથી મળતા દૂધના સારા ભાવને કારણે છેલ્લા સાત-આઠ વર્ષમાં 50થી 60 વીઘા જમીન ખરીદી શક્યા છે.
સફળ એઆઈ વર્કર કપિલભાઈ પંડ્યાએ સેક્સ સોર્ટેડ સીમેન દ્વારા બીજદાનના અનુભવો રજૂ કર્યા હતા. ડિરેક્ટર હમીરભાઈ મેરે મંડળીઓના હોદ્દેદારોને પશુપાલકો સુધી માહિતી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.
સ્થાપક એચ.આર. જોષીએ ડેરીની પંચક્રાંતિ અંગે માહિતી આપી શુદ્ધ અને ગુણવત્તાયુક્ત દાણના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. ઓછાં પશુઓ દ્વારા વધુ દૂધ ઉત્પાદન, સારી ઓલાદનાં પશુઓની પસંદગી અને આગામી સમયમાં ગોબર પ્લાન્ટ યોજના દ્વારા પશુપાલકોને વધારાની આવક મળે તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA