
ભાવનગર, 15 નવેમ્બર (હિ.સ.)ગોહિલવાડના ઐતિહાસિક તીર્થસ્થાન ધોળા ખાતે આવેલા શ્રી ધનાબાપા ત્રિમંદિરના દશાબ્દી મહોત્સવની લાભ પાંચમના પર્વે ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. મહંત બાબુરામજી ભગતના નેતૃત્વમાં શ્રી ધનાબાપા સેવા સંસ્થાનના હોદ્દેદારો, કાર્યકરો અને સેવકો દ્વારા વિવિધ ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપકભાઈ કાકડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા મહોત્સવમાં સંતો, મહંતો, દાતાઓ અને મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.
મહોત્સવના પ્રારંભે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે દિનેશભાઈ ભીંગરાડિયા અને ભિખાભાઈ ખૂંટના નિવાસસ્થાનેથી ગંગનાથ મહાદેવના સાનિધ્યમાં શોભાયાત્રા નીકળી હતી. ત્યારબાદ લવજીબાપુ, માનસરોવરદાસબાપુ સહિતના સંતોની ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાઈ હતી.
મહોત્સવ દરમિયાન રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવિકો અને સેવકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. હરેશભાઈ માણિયાના સંચાલનમાં 'એક ડાળના પંખી' કાર્યક્રમ રજૂ થયો હતો. સાંજે રામજીભાઈ ગોયાણી, મનસુખભાઈ ગોયાણી અને ભગવાનભાઈ ગોયાણી દ્વારા આરતી કરવામાં આવી હતી.
આ ઉપરાંત કૃષ્ણલીલાના કાર્યક્રમમાં હિંમતભાઈ ભીંગરાડિયા અને રાજેશભાઈ ભીંગરાડિયાનું સૌજન્ય રહ્યું હતું. કાળુભાઈ ખૂંટ પરિવાર દ્વારા ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મહોત્સવ દરમિયાન ભક્તિમય માહોલ વચ્ચે ભાવિકોએ દર્શન, પૂજન અને વિવિધ કાર્યક્રમોનો લાભ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA