



- સીઆઈએસએચ દ્વારા 'અસર મૂલ્યાંકન અભ્યાસ' હાથ ધરાશે આર્થિક લાભોનું મૂલ્યાંકન કરાશે.
ભરૂચ, 15 નવેમ્બર (હિ.સ.) : ગુજરાતના ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ભરાડિયા ગામનાં મહિલા ખેડૂત હીનાબેન જયેશ પટેલને જામફળની ઉન્નત અને વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવતી જાતોના વિકાસ, સંરક્ષણ તેમજ આ જાતોના માધ્યમથી નર્સરી વ્યવસાયના વિસ્તરણ અને વ્યાપારીકરણમાં નોંધપાત્ર યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યાં છે. ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળના છોડની જાતો અને ખેડૂત અધિકાર સંરક્ષણ પ્રાધિકરણ દ્વારા 12 નવેમ્બર, 2026ના રોજ પ્રાધિકરણના સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત સમારોહમાં તેમને આ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. સમારોહમાં ભારતના પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડૉ. પી. કે. મિશ્રાના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના મહાનિર્દેશક ડૉ. એમ. એલ. જાટ, પીપીવીએફઆરએના અધ્યક્ષ ડૉ. ત્રિલોચન મહાપાત્ર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
હીનાબેને પોતાના ખેતરમાં ઉપલબ્ધ બીજ જન્ય જામફળની કુદરતી વિવિધતામાંથી ઉત્તમ ગુણધર્મો ધરાવતા છોડની પસંદગી કરીને 'જારવી રેડ' અને 'જારવી રેડ-1' નામની બે જામફળની જાતો વિકસાવી છે. આ જાતોની મુખ્ય વિશેષતાઓમાં આકર્ષક લાલ રંગનો ગર્ભ, ફળોની સારી સંગ્રહ ક્ષમતા અને વધુ ઉત્પાદન ક્ષમતાનો સમાવેશ થાય છે. બંને જાતોની પીપીવીએફઆરએના
હેઠળ નોંધણી કરવામાં આવી છે. હાલમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં પણ આ જાતોની વ્યાપક વ્યાપારી ખેતી કરવામાં આવી રહી છે.
આ સિદ્ધિમાં આઈસીએઆર-કેન્દ્રીય ઉપોષ્ણ બાગાયત સંસ્થા સીઆઈએસએચ, લખનૌનું મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક અને તકનીકી યોગદાન રહ્યું છે. સંસ્થાના નિયામક ડૉ. ટી. દામોદરનના નેતૃત્વમાં અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. અંશુમાન સિંહના માર્ગદર્શન હેઠળ હીનાબેનને વૈજ્ઞાનિક નર્સરી વ્યવસ્થાપન અને ગુણવત્તાયુક્ત રોપણ સામગ્રીના ઉત્પાદન માટે તકનીકી સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે. આ સહયોગમાં માતૃ છોડના બ્લોકની સ્થાપના, આધુનિક નર્સરી માળખાકીય સુવિધાઓનો વિકાસ તથા તંદુરસ્ત અને ગુણવત્તાયુક્ત કલમ માટેની ડાળીઓના ઉપયોગ દ્વારા છોડના વૈજ્ઞાનિક પ્રવર્ધનની પદ્ધતિઓ અપનાવવામાં સહાયનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ખેડૂત નેટવર્ક વિકસાવવા અને નર્સરી વ્યવસાયના વ્યાપારી વિસ્તરણ માટે પણ સંસ્થા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
આ જાતોના પ્રસારને પરિણામે વિવિધ રાજ્યોમાં સેંકડો ખેડૂતોને થઈ રહેલા આર્થિક લાભોનું મૂલ્યાંકન અને દસ્તાવેજીકરણ કરવા માટે સીઆઈએસએચ દ્વારા અસર મૂલ્યાંકન અભ્યાસ હાથ ધરવાની યોજના છે. આ ઉપરાંત, ઉત્તર ભારતનાં રાજ્યોમાં 'જારવી રેડ-1' જાતનો વ્યાપક પ્રસાર કરવાના હેતુથી સંસ્થા દ્વારા હીનાબેન સાથે સમજૂતી કરાર કરવાની પ્રક્રિયા પણ આગળ વધારવામાં આવી રહી છે.
આ સિદ્ધિ ખેડૂત-આધારિત નવીનતા, વૈજ્ઞાનિક સંસ્થાઓના સહયોગ અને ખેડૂત અધિકારોના સંરક્ષણ દ્વારા કૃષિ ઉદ્યમિતા તથા ખેડૂતોની આવક વધારવાની સંભાવનાઓનું એક પ્રેરણાદાયી ઉદાહરણ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ