રાજકોટમાં સસ્તા સોના, કન્સ્ટ્રક્શનમાં રોકાણ અને મેલીવિદ્યાની વિધિના નામે રૂ.૨૯.૨૦ લાખની ઠગાઈ
રાજકોટ, 15 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના માયાણી ચોક વિસ્તારમાં અગાઉ ફૂટવેરની દુકાન ચલાવતા વેપારી સાથે પરિચિત શખ્સે સસ્તા ભાવે સોનું અપાવવા, કન્સ્ટ્રક્શનમાં રોકાણ કરી નવું મકાન લઈ આપવા અને મેલીવિદ્યા દૂર કરવા ઉજ્જૈનમાં વિધિ કરાવવાના બહાને અલગ-અલગ સમયે
ફ્રોડ


રાજકોટ, 15 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના માયાણી ચોક વિસ્તારમાં અગાઉ ફૂટવેરની દુકાન ચલાવતા વેપારી સાથે પરિચિત શખ્સે સસ્તા ભાવે સોનું અપાવવા, કન્સ્ટ્રક્શનમાં રોકાણ કરી નવું મકાન લઈ આપવા અને મેલીવિદ્યા દૂર કરવા ઉજ્જૈનમાં વિધિ કરાવવાના બહાને અલગ-અલગ સમયે કુલ રૂ.૨૯.૨૦ લાખ રૂપિયા પડાવી લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવતા માલવિયાનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

રાજકોટના મવડી પ્લોટ વિસ્તારમાં આવેલા ઉદયનગર-૧માં ભાડેથી રહેતા અને હાલ મેટોડા જીઆઈડીસીની એક કંપનીમાં મજૂરીકામ કરતા કનક કિશોર પરમારે ગાંધીગ્રામ વિસ્તારમાં લાખના બંગલાવાળા રોડ પર ઓમ વસંત એપાર્ટમેન્ટમાં રહેતા જયદીપ જગદીશ વાઘેલા સામે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી અગાઉ માયાણી ચોક ખાતે બેકબોન શોપિંગ સેન્ટરની બાજુમાં પરમાર ફૂટવેર નામે દુકાન ચલાવતા હતા. આશરે આઠ વર્ષ પહેલાં આમ્રપાલી ફાટકવાળા રોડ પર પક્ષીઓને ચણ નાખવા જતી વખતે કનક પરમારની ઓળખાણ જયદીપ વાઘેલા સાથે થઈ હતી. એક જ જ્ઞાતિના હોવાથી બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી અને જયદીપ અવારનવાર કનકની દુકાને બેસવા આવતો હતો.

જાન્યુઆરી ૨૦૨૫માં જયદીપ વાઘેલાએ કનક પરમારની દુકાને આવીને બજાર ભાવ કરતાં ઘણા સસ્તા દરે એટલે કે ૯૫ હજારના બદલે ૬૫ હજાર રૂપિયામાં ૧૦ ગ્રામ સોનું અપાવવાની લાલચ આપી હતી. આ લોભામણી વાતમાં આવીને કનકે ૮૫ હજાર રૂપિયા રોકડા આપ્યા હતા. થોડા સમય બાદ જયદીપે આ રોકાણ વધીને એક લાખ રૂપિયા થઈ ગયા હોવાનું જણાવી તે રકમ પોતાના કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં રોકી દીધી હોવાનું કહ્યું હતું. વધુમાં તેણે કનક ભાડે રહેતા હોવાથી કન્સ્ટ્રક્શનમાં વધુ રોકાણ કરીને નફામાંથી નવું મકાન અપાવવાનું પાકું વચન આપ્યું હતું અને વિશ્વાસ સંપાદિત કરવા પોતાના નામનો આઈડીબીઆઈ બેંકનો ૧૫ લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો.

નવા મકાનની લાલચમાં આવીને કનક પરમારે અલગ-અલગ બેંકો અને નાણાકીય સંસ્થાઓમાંથી પોતાના નામે લોન લઈને જયદીપ વાઘેલા તેમજ તેની માતા ભાવના વાઘેલાના બેંક ખાતામાં કટકે-કટકે નાણાં જમા કરાવવાનું શરૂ કર્યું હતું. વર્ષ ૨૦૨૫થી ૨૦૨૬ દરમિયાન ફરિયાદીએ ગૂગલ પે મારફતે ૬.૪૯ લાખ, આરટીજીએસ દ્વારા ૫.૫૦ લાખ અને રોકડા ૯.૩૬ લાખ રૂપિયા મળી કુલ ૨૧.૩૬ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આ દરમિયાન કનકનો ફૂટવેરનો ધંધો બરાબર ન ચાલતા ઘરમાં કંકાસ રહેતો હોવાની વાત જાણીને જયદીપે તેના પર કોઈએ મેલીવિદ્યા કરાવી હોવાનો વહેમ ઊભો કર્યો હતો અને ઉજ્જૈનના જાણીતા સાધુ પાસે વિધિ કરાવવાના નામે વધુ ૫ લાખ રૂપિયા પડાવ્યા હતા.

જયદીપે પોતાને પણ ઉજ્જૈનમાં વિધિ કરાવવાની હોવાનું બહાનું બતાવી કનક પાસેથી વધુ ૨ લાખ રૂપિયા હાથ ઉછીના લીધા હતા, જે પાછળથી કન્સ્ટ્રક્શનમાં રોકવાનું કહ્યું હતું. આ રકમ ચૂકવવા માટે કનકે એસએમએફજી ઇન્ડિયા ફાઇનાન્સમાંથી મકાન પર ૪ લાખ અને એચડીબી ફાઇનાન્સમાંથી ૩ લાખની પર્સનલ લોન લીધી હતી. વિધિ માટે જયદીપે વોટ્સએપ પર દંપતીનો ફોટો મંગાવી કામ થઈ જશે તેવો વિશ્વાસ આપ્યો હતો. ત્યારબાદ કન્સ્ટ્રક્શનમાં રોકેલા ૨૨.૩૬ લાખનું વળતર જૂન ૨૦૨૬માં મળશે તેવો વાયદો કર્યો હતો, પરંતુ સમય વીતી જવા છતાં પૈસા પરત ન મળતા કનકે ઉઘરાણી શરૂ કરી હતી.

રોકાણનું વળતર કે મૂળ રકમ પરત આપવાના બદલે જયદીપ વાઘેલાએ અવનવા બહાના બતાવી કનક પરમારનો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો હતો. આમ સસ્તા સોના, મકાનના સપના અને અંધશ્રદ્ધાનો લાભ લઈ આરોપીએ કુલ ૨૯.૨૦ લાખ રૂપિયા ઓળવી જઈ અંગત ફાયદા માટે વાપરી નાખ્યા હતા. આર્થિક રીતે પાયમાલ થઈ ગયેલા વેપારીને અંતે મજૂરીકામ કરવાનો વારો આવ્યો હતો. સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા માલવિયાનગર પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રતનકુમાર નિકોલાએ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૬(૨) અને ૩૧૮(૪) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande