ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે માધુપુર-જાંબુર ખાતે 'જનજાતીય ગૌરવ દિવસ'ની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ 15 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર, ગીર સોમનાથ તથા આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા માધુપુર ખાતે આવેલ લેઉવા પટેલ સમાજવાડી ખાતે વિશેષ કા
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી


ગીર સોમનાથ 15 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર, ગીર સોમનાથ તથા આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા માધુપુર ખાતે આવેલ લેઉવા પટેલ સમાજવાડી ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજના ગૌરવ, શૌર્ય, સંઘર્ષ અને સ્વાભિમાનના પ્રતીક છે. તેમણે આદિવાસી સમાજના અધિકારો, સંસ્કૃતિ અને અસ્મિતાના રક્ષણ માટે આપેલું યોગદાન હંમેશાં પ્રેરણારૂપ રહેશે. તેમની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણીનો મુખ્ય હેતુ આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, પરંપરા, સંસ્કૃતિ અને યોગદાનને યાદ કરી સમાજના વિકાસ તથા ઉત્થાન માટે જાગૃતિ લાવવાનો છે.

આ અવસરે જૂનાગઢ વિધાનસભાના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા જણાવ્યું હતું કે, માત્ર ૨૫ વર્ષના જીવનમાં ભગવાન બિરસા મુંડાએ દેશ માટે અને સમાજ માટે મહત્વનું કામ કર્યું હતું. તેઓએ દેશની સ્વતંત્રતા માટે લડત લડી સમાજને એક દિશા આપી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજો સામે લડવાનું કામ કર્યું હતું. તેઓ સમાજ માટે જ નહીં, દેશ માટે લડ્યા હતાં. તેમણે 'ઉલગુલાન' આંદોલન થકી દેશની સ્વતંત્રતા માટે મહત્વનું યોગદાન આપી દેશને આઝાદ કરવાનું અને સમાજના ઉત્થાન માટેનું કામ કર્યું હતું.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જનજાતિના ઉત્કૃષ્ટ વિકાસ માટે અનેક યોજનાઓ અમલ કરાવવામાં આવી રહી છે. દેશના દરેક લોકોમાં સમરસતા આવે અને સમાજમાં મહિલાઓ, યુવાનો સહિતનાને સમાન તક મળે તે માટેના અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, આઝાદી મેળવવામાં શહેરોનો મહત્વનો ફાળો રહ્યો હતો. પરંતુ તેની સાથે ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારમાં પણ સ્વતંત્રતા માટેની લડત લડવામાં આવી હતી. ભગવાન બિરસા મુંડા જેવા યુવાનો દ્વારા અંતરિયાળ વિસ્તારમાંથી જ આઝાદીની લડત શરૂ કરવામાં આવી હતી. આવી અનેક લડતો ઝારખંડ, છત્તીસગઢ, ગુજરાતમાં પણ થઈ હતી. ગુજરાતના પંચમહાલ, વડોદરા સહિતના વિસ્તારોમાંથી આદિવાસીઓ દ્વારા આઝાદીની લડતમાં સહભાગી થયા હતાં.

આ પ્રસંગે માધુપુર-જાંબુર, જાવંત્રી ગામના આદિવાસી લાભાર્થીઓને આદિમજૂથ આવાસ યોજના અને PM-JAN MAN (આવાસ) યોજનાઓ અંતર્ગત મકાનની ચાવી આપવામાં આવી હતી. તેમજ આયુષ્માન અને અંત્યોદય કાર્ડ લાભાર્થીઓને આપવામાં આવ્યાં હતાં. સાથે જ, સમાજ સુરક્ષા યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓ વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, રમત-ગમત ક્ષેત્રે, ભારતીય સેનામાં, પ્રોફેસર, ફોરેસ્ટર, પોલીસ અને નાયબ મામલતદાર તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિ વિશેષોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના ભાગરૂપે આદિવાસી ભાઈઓ- બહેનોને સરકારની વિવિધ સેવાઓનો લાભ મળી રહે તે માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ જાંબુર ગામ ખાતે નવનિર્મિત ગ્રામ પંચાયત લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી આદિમજૂથ સર્વાંગી ઉત્કર્ષ યોજના, પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન (PM-JANMAN), ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન, આદિમજૂથ પરિવારો માટે આવાસ,પીવાનું પાણી, વીજળી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ અને રોજગારલક્ષી સુવિધાઓ અને આદિમજૂથના યુવાનો માટે કૌશલ્યવર્ધન અને સ્વરોજગારની તકો યોજનાઓ થકી પોતાને પગભર બનાવવામાં આવે છે.

આ અવસરે ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન મહેન્દ્રભાઈ પીઠીયા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, તાલાલા તાલુકા પંચાયતના પ્રમુખ વિમલભાઈ વાડોદરિયા, અગ્રણી ડો.સંજયભાઈ પરમાર, માધુપુર-જાંબુર ગામના સરપંચ સુલેમાનભાઈ મજગુલ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande