
ગીર સોમનાથ, 15 નવેમ્બર (હિ.સ.) તાલાલા પંથકની જીવાદોરી સમાન તાલાલા ખાંડ ફેક્ટરી શેરડી પીલાણ શરૂ થયું છે. સંસ્થા ઉપર કરજ વધી જતા છેલ્લા ૧૩ વર્ષથી બંધ ખાંડ ફેક્ટરી તાલાલા સહિત છ તાલુકાનાં ખેડૂત સભાસદોની માલિકીની આ સંસ્થા ૩૦ વર્ષના ભાડા પટ્ટા થી સરકાર માન્ય ઇન્ડિયન પોટાશ લિમિટેડ(નવી દિલ્હી)ને ભાડા પટ્ટે આપવામાં આવી છે.
કંપનીએ અંદાજે ૧૦૦ કરોડથી વધુ ખર્ચ કરી બંધ પડેલ તાલાલા ખાંડ ફેક્ટરીનો જીર્ણોદ્ધાર સાથે સંસ્થા ફરી ધમધમતી કરી છે. તાલાલા ખાંડ ફેક્ટરીમાં શેરડી આપતા ખેડૂતોને ખેતર બેઠા પ્રતિ ટન ના રૂ.૩૩૦૦ લેખે ભાવ ચુકવાશે.આ પોષણક્ષમ ભાવથી ખેડૂતોને ખૂબ જ રાહત મળશે.આ ઉપરાંત સંસ્થા કાર્યરત થતા કર્મચારી અને શ્રમજીવી મળી કુલ ૧૨૦૦ લોકો તથા વાહતુક ચાલકોને આજીવિકા પ્રાપ્ત થશે તેમ સંસ્થાનાં સંચાલકોએ જણાવ્યું છે.તાલાલા પંથકની જીવાદોરી સમાન ખાંડ ફેક્ટરી પુનઃ કાર્યરત થતાં તાલાલા વિસ્તારની સમૃદ્ધિ અને રોનકમાં વધારો જોવા મળી રહ્યો છે.
પાંચ દિવસ બાદ ખાંડ નું ઉત્પાદન શરૂ થશે-
તાલાલા ખાંડ ફેકટરીમાં બોઈલર ની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા-અર્ચના કર્યા બાદ શેરડીનું પીલાણ શરૂ થયું છે.પાંચ દિવસમાં ખાંડનું ઉત્પાદન શરૂ થઈ જશે તેમ સંસ્થાના મેનેજમેન્ટે જણાવ્યું હતું.તાલાલા ખાંડ ફેક્ટરી ફરી ધમધમતી થતાં ખેડૂતોમાં સર્વત્ર ખુશીની લહેર પ્રસરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ