
- કાલે કારતક સુદ સાતમ નિમિત્તે સમસ્ત લોહાણા સમાજની ૨૮મી નાત, ગૌશાળામાં ઘાસ-લાડુ વિતરણ, પ્રસાદ રથ અને થેલેસેમિયા કેમ્પ સહિતના વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાશે.
જામનગર, 15 નવેમ્બર (હિ.સ.) : જામનગરમાં આગામી કાલે સોમવારે કારતક સુદ સાતમના પવિત્ર દિવસે જલારામબાપાની ૨૨૭મી જન્મજયંતિ અને સમસ્ત લોહાણા સમાજની ૨૮મી નાતનો ભવ્ય ઉત્સવ ઉજવાશે. શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગૌશાળામાં ઘાસ-લાડુ વિતરણ, સારસ્વત બ્રાહ્મણ ભોજન, જલારામ રથ દ્વારા પ્રસાદ વિતરણ તથા થેલેસેમિયા કેમ્પ સહિતના વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગરમાં કાલે વિક્રમ સંવત ૨૦૮૩, કારતક સુદ ૭ ને સોમવાર, તારીખ ૧૬ નવેમ્બર ૨૦૨૬ના રોજ જલારામબાપાની ૨૨૭મી જન્મજયંતિ તેમજ સમસ્ત લોહાણા સમાજની ૨૮મી નાત (સમૂહ ભોજન) ના પ્રસંગને ધામધૂમથી ઉજવવા માટે શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સમગ્ર મહોત્સવ જલારામનગર, પ્રણામી સંપ્રદાય મેદાન, હિરજી મિસ્ત્રી રોડ, નવાનગર બેન્ક સામે યોજાશે.
ઉજવણીના ભાગરૂપે રવિવાર, તારીખ ૧૫ નવેમ્બર ૨૦૨૬ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સ્વયંસેવકોનું સંમેલન રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ સોમવારે જલારામ જયંતિના દિવસે સવારથી જ ગૌશાળામાં ઘાસ-લાડુ વિતરણ અને સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ ભોજન સમારંભ (માસ્તાન) નું આયોજન કરાયું છે. આ ઉપરાંત જલારામ રથ દ્વારા શહેરમાં પ્રસાદ વિતરણ, થેલેસેમિયા કેમ્પ અને સમસ્ત લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજન સહિતના કાર્યક્રમો યોજાશે.
આ સેવાયજ્ઞના પ્રારંભથી સતત ૨૫ વર્ષ સુધી સમિતિના સ્થાપક સદસ્યો જીતુ લાલ, રમેશ દત્તાણી, ભરત મોદી, મનોજ અમલાણી, રાજુ કોટેચા, અનિલ ગોકાણી, અતુલ પોપટ, ભરત કાનાબાર, નિલેશ ઠકરાર, રાજુ મારફતિયા, રાજુ હિંડોચા, મધુ પાબારી અને મનીષ તન્ના દ્વારા જ્ઞાતિ સમૂહ ભોજનનું સફળ આયોજન કરવામાં આવતું રહ્યું છે.
વર્તમાન સમયમાં આ સ્થાપક સદસ્યોના માર્ગદર્શન હેઠળ સમિતિના સદસ્યો સૌરભ ડી. બદયાણી, ધવલ સોનછાત્રા, નિલ મોદી, રાજુ કાનાબાર, હસિત પોપટ, વ્યોમેશ લાલ, ધૈર્ય મપારા, કૌશલ દત્તાણી, રાજદીપ મોદી, હિરેન રૂપારેલિયા, નીશીત રાયઠઠ્ઠા, વિશાલ પોપટ અને રવિ અઢિયા સહિત બહોળી સંખ્યામાં યુવાન કાર્યકરો દ્વારા આ મહોત્સવને સફળ બનાવવા માટે ઉત્સાહભેર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt