
સુરત, 15 નવેમ્બર (હિ.સ.) : સુરતના સચીન GIDC વિસ્તારમાં હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. 11 નવેમ્બરની સાંજે આશરે 7:30 વાગ્યે રોડ નંબર-3 પર રાજકમલ ચોકડી નજીક આર.કે. હેલ્થકેર કંપની સામે પગપાળા જઈ રહેલા 51 વર્ષીય દિનેશપ્રસાદ શ્યામદેવ સિંહને પાછળથી પૂરઝડપે આવતી ઓટો રિક્ષાએ ટક્કર મારી હતી. અકસ્માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત સર્જ્યા બાદ રિક્ષાચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. દરમિયાન હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા દિનેશપ્રસાદનું 13 નવેમ્બરના રોજ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકની પુત્રી સાધનાકુમારી મંડલે સચીન GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે BNS અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
પોલીસે તપાસના આધારે ગણતરીના કલાકોમાં જ અકસ્માતમાં સંડોવાયેલા રિક્ષાચાલક રાજેન્દ્રકુમાર લાલચંદ પાલ (35)ને ઝડપી પાડ્યો હતો. આરોપી પાલીગામની જલારામ સોસાયટીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે અને તે મૂળ ઉત્તરપ્રદેશના ભદોહી જિલ્લાનો વતની છે. પોલીસે અકસ્માતમાં ઉપયોગમાં લેવાયેલી રિક્ષા (નં. GJ-05-AV-3475) પણ કબજે કરી તેની સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે