ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. 2283.97 કરોડના વિકાસકાર્યોની અમૂલ્ય ભેટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે આજથી રાજ્યના ૧૪ આદિવાસી જિલ્લાઓમાં ‘પ્રાકૃતિક કૃષિ આધારિત વાડી સહાય યોજના’નો શુભારંભ છોટા ઉદેપુર/ગાંધીનગર, 15 નવેમ્બર (હિ.સ.) : ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે છોટા ઉદેપુરની ધરતી પરથી
છોટાઉદેપુર ખાતે 'જનજાતીય ગૌરવ દિવસ'ની રાજ્યકક્ષાની ઉજવણી


છોટાઉદેપુર ખાતે 'જનજાતીય ગૌરવ દિવસ'ની રાજ્યકક્ષાની ઉજવણી


છોટાઉદેપુર ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ


- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે આજથી રાજ્યના ૧૪ આદિવાસી જિલ્લાઓમાં ‘પ્રાકૃતિક કૃષિ આધારિત વાડી સહાય યોજના’નો શુભારંભ

છોટા ઉદેપુર/ગાંધીનગર, 15 નવેમ્બર (હિ.સ.) : ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે છોટા ઉદેપુરની ધરતી પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરતી આબા ભગવાન બિરસા મુંડાની દિવ્ય ચેતનાને વંદન કરીને સૌને ધરતી આબા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીની શુભકામનાઓ પાઠવી હતી.

આદિજાતિ જિલ્લા છોટાઉદેપુર ખાતે 'જનજાતીય ગૌરવ દિવસ'ની રાજ્યકક્ષાની ગરિમામય ઉજવણીમાં સહભાગી થઈને સમારંભને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આઝાદીની સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી વીરોના બલિદાન અને અમૂલ્ય યોગદાનને દેશ સમક્ષ ઉજાગર કરવાનું ઐતિહાસિક કાર્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. વર્ષ-૨૦૦૭ માં શરૂ થયેલી ‘વનબંધુ કલ્યાણ યોજના’ આદિજાતિઓના સર્વાંગી ઉત્કર્ષ માટે માઈલસ્ટોન સાબિત થઈ છે અને હવે આગામી પાંચ વર્ષમાં જનજાતીય ક્ષેત્રો મેટ રૂ. ૨ લાખ કરોડના વિકાસકામોનું આયોજન હાથ ધરાયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનજાતીય ક્ષેત્ર અને આદિવાસીઓના સર્વાંગી વિકાસનું બીડું ઝડપ્યું છે. ભૂતકાળમાં જેને કોઈ પૂછતું નહોતું તેને પૂજવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે, તેમ ગર્વભેર જણાવી મુખ્યમંત્રી પટેલે રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં રૂ. ૨૩૧ કરોડના વિકાસકામો અને વ્યક્તિગત લાભો આપી સામાજિક-આર્થિક દિશામાં નવું કદમ ઉઠાવ્યું હતું.

આદિજાતિ વિસ્તારોના શૈક્ષણિક અને આરોગ્ય વિષયક પરિવર્તનનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કે, આજે આદિવાસી પટ્ટામાં ૧૨ સાયન્સ કોલેજો, ૨ યુનિવર્સિટી, ૧૨ મેડિકલ કોલેજો અને ૫૭ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓ કાર્યરત છે. સાથોસાથ ૨૨,૫૦૦ થી વધુ સ્માર્ટ ક્લાસરૂમ તથા ૧૮,૮૦૦ થી વધુ વન અધિકાર પત્રો એનાયત કરીને આદિવાસી યુવાનો અને પરિવારોને સશક્ત બનાવવામાં આવ્યા છે.

આ પ્રસંગે આદિવાસી મહિલાઓ અને સ્થાનિક કારીગરોની આજીવિકા વધારવા માટે ‘શબરી બુથ’ અને ‘જોહાર કાફે’ની નવતર પહેલનો પ્રારંભ કરવામાં આવ્યા હતો.

મુખ્યમંત્રી પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, છોટા ઉદેપુરને ‘સ્પોર્ટ્સ અને ફૂડ પ્રોસેસિંગ હબ’ તરીકે વિકસાવી સ્થાનિક રોજગારીના નવતર દ્વાર ખોલવામાં આવશે, જેથી સ્થાનિક યુવાનોને રોજગારીની નવી તકો મળશે, જે વર્ષ-૨૦૪૭ના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં પાયાનો પથ્થર બનશે, તેમ પટેલે હર્ષભેર ઉમેર્યું હતું.

ધરતી આબા ભગવાન બિરસા મુંડાના ક્રાંતિકારી યોગદાનને યાદ કરતા રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે ઉમેર્યું હતું કે, એક મહાન સ્વાતંત્ર્ય સેનાની અને રક્ષક તરીકે ભગવાન બિરસા મુંડાએ આપેલું બલિદાન અવિસ્મરણીય છે. નવી પેઢી તેમના વિચારો અને આદર્શોમાંથી પ્રેરણા મેળવે તે અત્યંત જરૂરી છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું. ૧૫મી નવેમ્બર ઈતિહાસના પાને સુવર્ણ અક્ષરે અંકિત કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આ પ્રસંગે મંત્રીએ આભાર વ્યક્ત કર્યો હતો.

રાજ્ય સરકારની જનજાતીય વિકાસ નીતિઓનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, ઉમરગામથી અંબાજી સુધીના સમગ્ર આદિવાસી પટ્ટામાં વસતા ૧ કરોડ ૧૧ લાખથી વધુ આદિવાસી બંધુઓના સર્વાંગી ઉત્કર્ષ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની યોજનાઓ ધરતી આબા ભગવાન બિરસા મુંડાના આદર્શ અને વિચારો આધારિત હોવાનું મંત્રીએ ગર્વભેર ઉમેર્યું હતું,

કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રીએ ધરતી આબા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી પટેલના વરદહસ્તે રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લાઓના નાગરિકો માટે કુલ રૂ. ૨૨૮૩.૯૭ કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આદિજાતિ વિકાસ વિભાગના સચિવશ્રી આલોકકુમાર પાંડેએ સૌનું શાબ્દિક સ્વાગત કરી આવકાર્યા હતા.

નૂતન વર્ષના આ પર્વ નિમિત્તે અપાયેલી આ વિકાસલક્ષી ભેટમાં આદિજાતિ વિકાસ વિભાગ ઉપરાંત પાણી પુરવઠા, સિંચાઈ, માર્ગ-મકાન, શિક્ષણ, આરોગ્ય, પશુચિકિત્સા, વન અને પર્યાવરણ તથા પંચાયત વિભાગના પ્રજાલક્ષી કામોનો સમાવેશ થાય છે. તદુપરાંત, રાજ્યના ૧૮,૮૨૮ લાભાર્થીઓને વન અધિકાર પત્રોની મંજૂરી તથા રૂ. ૧૦૧૭ કરોડના વિકાસકાર્યો સહિતના અન્ય પ્રગતિલક્ષી પ્રકલ્પોની ભેટ પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત, આદર્શ નિવાસી શાળા, છાત્રાલય, એકલવ્ય મોડેલ સ્કૂલ અને ન્યૂ ગુજરાત રેસિડેન્શિયલ સ્કૂલ જેવા શૈક્ષણિક માળખાકીય કાર્યો તેમજ શબરી બુથ અને જોહાર કાફેના આયોજનનો પણ આજથી શુભારંભ કરવામાં આવ્યો હતો.

ઉપસ્થિત સૌએ મહારાષ્ટ્ર રાજ્યના ગઢચિરોલી ખાતે આયોજીત રાષ્ટ્રકક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

રાજ્યકક્ષાના સમારોહમાં લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, રાજ્યસભાના સાંસદ ડો. મુકેશભાઈ રાઠવા, ધારાસભ્ય સર્વ રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતિભાઈ રાઠવા, અભેસિંહ તડવી, પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, આદિજાતિ વિકાસ વિભાગના નિયામક રચિત રાજ, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી ઓમકારસિંહ શિંદે સહિત સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં આદિજાતિ ભાઈ-બહેનો ઉત્સાહભેર જોડાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande