
સુરત, 15 નવેમ્બર (હિ.સ.): ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે સુરતના પાલ વિસ્તારમાં આવેલા સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના સ્વાતંત્ર્ય સંગ્રામમાં રહેલા યોગદાન, બલિદાન અને સમૃદ્ધ પરંપરાને યાદ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન આદિવાસી કલાકારોએ, પરંપરાગત નૃત્યો રજૂ કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સાથે જ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. રમતગમત સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર પ્રતિભાઓનું કેન્દ્રીય મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહમાં પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મનપા કમિશનર સહિતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ દ્વારા, ભગવાન બિરસા મુંડા અને તેમના પરિવારના સંઘર્ષ તથા બલિદાનને યાદ કર્યા હતા. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે બિરસા મુંડાએ દેશની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું અને તેમનું યોગદાન સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણારૂપ છે. તેમણે ઉમેર્યું કે આદિવાસી સમાજના શહીદો અને તેમના યોગદાનને ક્યારેય ભૂલી શકાય નહીં. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આદિવાસી મહાનાયકોને યોગ્ય સન્માન મળ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે