
જુનાગઢ 15 નવેમ્બર (હિ.સ.) : ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિતે જૂનાગઢ જિલ્લાના સાસણ મુકામે જિલ્લા કક્ષાના જનજાતીય ગૌરવ દિવસ કાર્યક્રમની ઉજવણી આજરોજ ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ તકે કાર્યક્રમના અધ્યક્ષ અને જિલ્લા પંચાયતના પ્રમુખ લીનાબેન કાવાણીએ જણાવ્યું હતું કે, આજરોજ ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ છે. આજનો દિવસ આદિવાસી સમાજની સંસ્કૃતિ, વિરાસત, શૌર્ય, સંઘર્ષ, સાહસ, બલિદાન, દેશપ્રેમ, અસ્મિતાને યાદ કરવાનો પાવન અવસર છે.
વર્ષ ૨૦૨૧ થી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આ દિવસની સમગ્ર દેશમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ભગવાન બિરસા મુંડાજીએ અંગ્રેજી શાસનના અન્યાય અને શોષણ સામે આદિવાસી સમાજને સંગઠિત કરી જળ, જંગલ અને જમીનના અધિકારો માટે સંઘર્ષ કર્યો હતો. આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા તા.૧૨ થી ૧૮ નવેમ્બર દરમિયાન રાજ્યભરમાં જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ તકે વિવિધ યોજનાના લાભાર્થીઓને અને વિશિષ્ટ સિદ્ધિ મેળવેલા નાગરિકોનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સ્થાનિક સીદી સમુદાયના લોકો દ્વારા પરંપરાગત ધમાલ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ લોક કલાકારો દ્વારા પરંપરાગત ગુજરાતી રાસ ગરબા, સ્થાનિક લોકગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ તકે સીદી સમુદાયના લોકોએ આ કાર્યક્રમ અંગે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.
આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમને અનુરૂપ દસ્તાવેજી ચલચિત્રનું પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, પદાધિકારીગણ, મહાનુભાવો, સંલગ્ન વિભાગના અધિકારીગણ, કર્મચારીગણ, લાભાર્થીઓ, સ્થાનિક નાગરિકો, સીદી સમુદાયના નાગરિકો હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ