રાજકોટમાં સરકારી આવાસ યોજનાના ક્વાર્ટર અપાવવાના બહાને ૩.૪૮ લાખની ઠગાઈ કરનાર ઝડપાયો
રાજકોટ, 15 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મકાન અપાવવાની લાલચ આપી નાગરિકો સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ આચરવાના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર ચાલી રહેલા એક આરોપીને રાજકોટ શહેર પેરોલ ફર્લો સ્કવો
ઠગાઈનો આરોપી ઝડપાયો


રાજકોટ, 15 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મકાન અપાવવાની લાલચ આપી નાગરિકો સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ આચરવાના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર ચાલી રહેલા એક આરોપીને રાજકોટ શહેર પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે અમદાવાદ ખાતેથી ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના અનુસાર, ફરિયાદીને સરકારી આવાસ યોજનાનું ક્વાર્ટર મકાન સહેલાઇથી અપાવી દેવાની ખાતરી આપી આરોપીઓએ વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ અલગ-અલગ બેંક ખાતાઓમાં કટકે-કટકે કુલ રૂપિયા ૩,૪૮,૫૦૦ જેટલી રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી. રકમ પડાવ્યા બાદ આરોપીઓ દ્વારા ન તો કોઈ મકાન ફાળવવામાં આવ્યું કે ન તો નાણાં પરત આપવામાં આવ્યા હતા.

આ મામલે તૃપ્તિબેન રણછોડભાઈ પરમાર અને મોહિતભાઈ પટેલ વિરુદ્ધ આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦ અને ૧૧૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમ નાસતા ફરતા આરોપીઓની શોધખોળમાં સક્રિય હતી. આ દરમિયાન બાતમી અને ટેક્નિકલ સ્રોતની મદદથી આ પ્રકરણમાં સંડોવાયેલા ધ્મેશ ભીખાભાઈ ચૌહાણ નામના શખ્સનું પગેરૂ મળતા તેને અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો હતો.

પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછપરછ અને અટકાયત બાદ તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓને સુપરત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આ સમગ્ર રેકેટમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલ છે અને અન્ય કોઈ નાગરિકો સાથે આ પ્રકારે છેતરપિંડી થઈ છે કે કેમ તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande