

મહેસાણા, 15 નવેમ્બર (હિ.સ.) : મહેસાણામાં યોજાયેલી મેરેથોનમાં માનસિક દિવ્યાંગ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની દોડ પૂર્ણ કરી હતી. સામાન્ય રીતે મેરેથોનમાં દોડવીરોની સ્પર્ધા અને ફિટનેસનું પ્રદર્શન જોવા મળતું હોય છે, પરંતુ આ મેરેથોનમાં ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ સ્કૂલના વિશેષ બાળકોની સહભાગિતાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અરિહંત રનર્સ અને અરિહંત ફાઉન્ડેશન, અંકલેશ્વરના સહયોગથી આ બાળકોને મેરેથોનમાં ભાગ લેવાની તક મળી હતી.
બાળકોએ કોઈ સંકોચ વિના ભારે ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે દોડમાં ભાગ લીધો હતો અને પોતાની નિર્ધારિત દોડ પૂર્ણ કરી હતી. દોડ પૂરી થયા બાદ તેમના ચહેરા પર જોવા મળેલી ખુશી અને ઉત્સાહે ઉપસ્થિત લોકોને ભાવુક કર્યા હતા. આ સહભાગિતાએ સાબિત કર્યું હતું કે યોગ્ય પ્રોત્સાહન અને તક મળે તો વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો પણ પોતાની ક્ષમતા દર્શાવી શકે છે.
મેરેથોનમાં બાળકોની ભાગીદારી માત્ર રમતગમત પૂરતી સીમિત ન રહી, પરંતુ સામાજિક સમાવેશ અને માનવતાનો સંદેશ પણ આપી ગઈ હતી. અરિહંત ફાઉન્ડેશનના સહયોગથી યોજાયેલી આ પહેલ દ્વારા વિશેષ બાળકોને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહેસાણા મેરેથોનમાં બાળકોની આ દોડ સૌ માટે પ્રેરણારૂપ બની હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR