ઊંઝા ઉમિયા માતાજીના દર્શનાર્થીઓને રૂપાલના યુવાનો દ્વારા કેસર દૂધનો પ્રસાદ, 120 યુવાનોએ પદયાત્રા કરી આપી સેવા
મહેસાણા, 15 નવેમ્બર (હિ.સ.) : દિવાળી પર્વ દરમિયાન ઊંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને રૂપાલ ગામના યુવાનોએ કેસર દૂધનો પ્રસાદ વિતરણ કરી સેવા અને સમર્પણનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રૂપાલના વરદાયિની મિત્ર મંડળના 120 યુવાનો પદયાત
ઊંઝા ઉમિયા માતાજીના દર્શનાર્થીઓને રૂપાલના યુવાનો દ્વારા કેસર દૂધનો પ્રસાદ, 120 યુવાનોએ પદયાત્રા કરી આપી સેવા


મહેસાણા, 15 નવેમ્બર (હિ.સ.) : દિવાળી પર્વ દરમિયાન ઊંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને રૂપાલ ગામના યુવાનોએ કેસર દૂધનો પ્રસાદ વિતરણ કરી સેવા અને સમર્પણનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રૂપાલના વરદાયિની મિત્ર મંડળના 120 યુવાનો પદયાત્રા કરીને ઊંઝા પહોંચ્યા હતા અને લાભ પાંચમની સવારથી જ માતાજીનાં દર્શન કરવા આવતા ભક્તોને શુદ્ધ અને પૌષ્ટિક કેસર દૂધનો પ્રસાદ આપ્યો હતો.

રૂપાલ ગામનું પલ્લી મહોત્સવ વિશ્વભરમાં જાણીતું છે. આ મહોત્સવ દરમિયાન લાખો કિલોગ્રામ ઘીથી માતાજીની પલ્લીનો અભિષેક કરવામાં આવે છે. વરદાયિની મિત્ર મંડળના યુવાનો છેલ્લા 17 વર્ષથી દર વર્ષે દિવાળી પર્વ દરમિયાન રૂપાલથી પદયાત્રા કરીને ઊંઝા આવે છે અને ઉમિયા માતાજીના દર્શનાર્થીઓની સેવા કરે છે. આ વખતે પણ યુવાનોએ જાતે કેસર દૂધ તૈયાર કરી તેનું વિતરણ કર્યું હતું.

મંડળના સેવકો સ્મિત પટેલ અને વિકાસ પટેલે જણાવ્યું હતું કે પલ્લી મહોત્સવ દરમિયાન રૂપાલમાં ચાર દિવસ સુધી વરદાયિની માતાજીના મંદિર પાસે લાઇવ ઢોકળા સહિતનો વિનામૂલ્યે પ્રસાદ આપવામાં આવે છે. અન્ય ધાર્મિક સ્થળોએ પણ સેવા પ્રવૃત્તિ કરવામાં આવે છે.

ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા યુવાનોની આ સેવા પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા કેસર દૂધ બનાવવા અને વિતરણ માટે જરૂરી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. વર્ષ 2023માં સંસ્થાન દ્વારા યોજાયેલી 168 કલાકની અખંડ ‘શ્રી ઉમિયા શરણમ મમઃ’ મહામંત્ર ધૂન દરમિયાન પણ આ યુવાનોએ શ્રદ્ધાળુઓને કેસર દૂધનો પ્રસાદ આપ્યો હતો. યુવાનોની નિઃસ્વાર્થ સેવાથી દર્શનાર્થીઓ પ્રભાવિત થયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande