વડનગરમાં વિશ્વશાંતિ મહાયજ્ઞના પાંચમા દિવસે 10 હજાર મોદકોની આહુતિ, સગર્ભા બહેનો માટે વિશેષ આશીર્વાદ અનુષ્ઠાન યોજાયું
મહેસાણા, 15 નવેમ્બર (હિ.સ.) : વડનગરમાં શ્રીકાંચી કામકોટિ પીઠાધિપતિ જગદગુરુ શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીના સાનિધ્યમાં ચાલી રહેલા વિશ્વશાંતિ મહાયજ્ઞના પાંચમા દિવસે વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે સગર્ભા બહેનો મ
વડનગરમાં વિશ્વશાંતિ મહાયજ્ઞના પાંચમા દિવસે 10 હજાર મોદકોની આહુતિ, સગર્ભા બહેનો માટે વિશેષ આશીર્વાદ અનુષ્ઠાન યોજાયું


મહેસાણા, 15 નવેમ્બર (હિ.સ.) : વડનગરમાં શ્રીકાંચી કામકોટિ પીઠાધિપતિ જગદગુરુ શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીના સાનિધ્યમાં ચાલી રહેલા વિશ્વશાંતિ મહાયજ્ઞના પાંચમા દિવસે વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે સગર્ભા બહેનો માટે વિશેષ આશીર્વાદ અનુષ્ઠાન અને નાગર બ્રાહ્મણ તથા નાગર વૈશ્ય સમાજનું સંમેલન યોજાયું હતું.

દિવસની શરૂઆત ભગવાન સૂર્યની ઉપાસના માટે કૃષ્ણ યજુર્વેદના અરુણ પ્રશ્નના પાઠ અને સૂર્ય નમસ્કારથી થઈ હતી. ત્યારબાદ અતિરુદ્ર મહાયજ્ઞમાં ભગવાન શિવની આરાધના, રુદ્ર પાઠ અને મંત્રોચ્ચાર સાથે આહુતિ આપવામાં આવી હતી. ભગવાન ગણેશને સમર્પિત લક્ષ મોદક યજ્ઞમાં 10,000 મોદકોની આહુતિ અર્પણ કરાઈ હતી. મા દુર્ગાની આરાધના માટે દુર્ગા સપ્તશતીના 100 આવર્તન પાઠ અને નવાવરણ પૂજા પણ યોજાઈ હતી. કારતક સુદ છઠ નિમિત્તે ભગવાન કાર્તિકેયની વિશેષ પૂજા કરવામાં આવી હતી.

દિવસના વિશેષ કાર્યક્રમમાં વડનગરની સગર્ભા બહેનોને શંકરાચાર્યજીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે સૌભાગ્યની સામગ્રી અર્પણ કરી આશીર્વાદ આપ્યા હતા. નાગર સમાજના સંમેલનમાં વડનગરની પરંપરાઓ અને પૂર્વજોના વારસાના જતન અંગે ચર્ચા થઈ હતી. સાંજે ભરતનાટ્યમ, લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને નગરજનો જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande