
લાઇવ ફૂડ કાઉન્ટરને મંજૂરી સાથે પાન-માવાના સેવન બદલ દંડની જોગવાઈ; તા. ૨૦ના રોજ મળનારી જનરલ બોર્ડની બેઠકમાં નવી નીતિને મંજૂરી અપાશે
રાજકોટ, 15 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ મહાનગરપાલિકાએ કાલાવડ રોડ અને શીતલ પાર્ક રોડ પર નિર્માણ પામેલા બે નવા પાર્ટી પ્લોટ તેમજ કોમ્યુનિટી હોલના સંચાલન માટે એકસમાન નવા નિયમો તૈયાર કર્યા છે. આગામી તા. ૨૦ના રોજ મળનારી જનરલ બોર્ડની બેઠકમાં આ દરખાસ્ત રજૂ કરવામાં આવશે, જેનો મુખ્ય હેતુ મિલકતની જાળવણી અને સલામતી સુનિશ્ચિત કરવાનો છે. અત્યાર સુધી બંને સ્થળો માટે અલગ વ્યવસ્થા હતી, પરંતુ હવે બુકિંગ, સલામતી અને રિફંડ માટે એક જ નીતિ અમલમાં આવશે.
નવા નિયમો મુજબ, કોમ્યુનિટી હોલની જેમ પાર્ટી પ્લોટમાં પણ લાઇવ ફૂડ કાઉન્ટર રાખવાની છૂટ અપાશે, પરંતુ દરેક કાઉન્ટર પાસે ફાયર સેફ્ટીના સાધનો અને તેનો ઉપયોગ જાણતી વ્યક્તિ હાજર રાખવી ફરજિયાત રહેશે. ધુમાડાથી છત કે દીવાલને નુકસાન ન થાય તેની જવાબદારી ભાડે રાખનારની રહેશે. આ ઉપરાંત, સંકુલમાં ઈંડાં કે માંસાહારી વાનગીઓ બનાવવા પર સખત પ્રતિબંધ મુકાયો છે. જો આ નિયમનો ભંગ થશે તો બુકિંગ રદ કરવા, ડિપોઝિટ જપ્ત કરવા અને સ્થળ ખાલી કરાવવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે.
સંકુલમાં સ્વચ્છતા જાળવવા માટે ધૂમ્રપાન તેમજ પાન, માવા, ગુટખા કે તમાકુના સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, જેનો ભંગ કરનાર પાસેથી દંડ વસૂલાશે. પ્રસંગ પૂર્ણ થયા બાદ સ્થળની સફાઈ અને કચરાના નિકાલની જવાબદારી પણ આયોજકોની રહેશે. ધ્વનિ પ્રદૂષણ અટકાવવા અને ફટાકડા ન ફોડવા સહિતના નિયમોનું પાલન કરવું પડશે. લગ્ન પ્રસંગ માટે ૧૮૦ દિવસ અગાઉ બુકિંગ કરાવી શકાશે, જ્યારે ભાડાની ૧૦ ટકા રકમ ભરીને એક વખત તારીખ બદલવાની તક મળશે.
બુકિંગ રદ કરવાના કિસ્સામાં નિયત ટકાવારી કાપીને બાકીની રકમ પરત અપાશે, જ્યારે ખાસ કિસ્સામાં ફાળવણીના હક્કો મ્યુનિસિપલ કમિશનર પાસે રહેશે. વધુમાં, નવરાત્રિ પૂર્વે ગરબા કે ડાન્સ પ્રેક્ટિસ માટે પાર્ટી પ્લોટ ભાડે લેવો હોય તો નિયત ભાડા ઉપરાંત ૫૦ ટકા વધારાની રકમ ચૂકવવી પડશે. આવા પ્રેક્ટિસ વર્ગો માટે ખુલ્લી તારીખોમાં વધુમાં વધુ ૩૦ દિવસ અગાઉ જ બુકિંગ થઈ શકશે અને તેમાં પણ સ્વચ્છતા, સમયમર્યાદા તથા ફાયર સેફ્ટીના તમામ નિયમોનું પાલન ફરજિયાત રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt