
સુરત, 15 નવેમ્બર (હિ.સ.): સુરત રેલવે પોલીસ અને SOGની ટીમે 'મિશન સેફ સ્ટેશન' અંતર્ગત કાર્યવાહી કરીને એક જ દિવસમાં ગાંજાના બે અલગ-અલગ જથ્થા ઝડપી પાડ્યા છે. બંને કાર્યવાહીમાં કુલ 27.215 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.13.60 લાખથી વધુ થાય છે. આ મામલે પોલીસે NDPS એક્ટ હેઠળ ગુના નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
પ્રથમ કાર્યવાહીમાં પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના કોચ B/6માં સીટ નંબર 57 નીચેથી શંકાસ્પદ બેગ મળી આવી હતી. તપાસ દરમિયાન બ્રાઉન ટ્રોલીબેગ અને કાળા બેકપેકમાંથી 17.115 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આ જથ્થાની કિંમત રૂ.8,55,750 આંકવામાં આવી છે. જોકે, બેગ મૂકનાર વ્યક્તિ મળી ન આવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે.
બીજી તરફ, સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર SOGની ટીમે શંકાના આધારે ઓડિશાના ગંજામ જિલ્લાના 25 વર્ષીય બુધિયા ઉર્ફે જતી સ્વાંઇને અટકાવ્યો હતો. તેની ટ્રોલીબેગની તપાસ કરતા 10.100 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.5.05 લાખ છે. પોલીસે ગાંજા સહિત રોકડ રકમ મળી કુલ રૂ.5,05,500નો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે