
ગુણવત્તા વ્યવસ્થાપન અને ગ્રાહક સંતોષ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ જામનગર સર્કલને વૈશ્વિક સ્તરે મળી મોટી સિદ્ધિ
જામનગર, 15 નવેમ્બર (હિ.સ.) : પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) અંતર્ગત કાર્યરત જામનગર રિજનલ સ્ટોર અને જામજોધપુર ડિવિઝનલ સ્ટોરને આંતરરાષ્ટ્રીય ગુણવત્તા વ્યવસ્થાપન ધોરણ ISO 9001:2015 તથા ગ્રાહક ફરિયાદ નિવારણ ધોરણ ISO 10002:2018 ના પ્રમાણપત્રો પ્રાપ્ત થયા છે.
આ વિશેષ સિદ્ધિ બદલ પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા જામનગર વર્તુળ કચેરીની કામગીરીની પ્રશંસા કરવામાં આવી છે. આ પ્રમાણપત્રો મળવાથી બંને સ્ટોરની કામગીરીમાં ગુણવત્તાયુક્ત વ્યવસ્થાપન, પારદર્શિતા, દસ્તાવેજીકરણ, કાર્યક્ષમતા અને ગ્રાહક સંતોષ પ્રત્યેની પ્રતિબદ્ધતાને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે, જે સંસ્થા માટે ગૌરવપૂર્ણ બાબત છે.
આ મહત્વપૂર્ણ સફળતા પાછળ જામનગર વર્તુળ કચેરીના ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન, પ્રેરણા અને સહકાર મહત્વપૂર્ણ રહ્યો છે. આ ઉપરાંત, રિજનલ સ્ટોર જામનગર અને જામજોધપુર ડિવિઝનલ સ્ટોરના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓની સખત મહેનત, ટીમવર્ક અને સમર્પણનો નોંધપાત્ર ફાળો રહેલો છે.
આ પ્રમાણપત્ર માત્ર એક સિદ્ધિ નથી, પરંતુ ગુણવત્તા અને સતત સુધારણા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. આ સન્માનથી જામનગર સર્કલની કામગીરીને નવી ઓળખ મળી છે અને ભવિષ્યમાં પણ ગ્રાહકોને વધુ સારી સેવાઓ પૂરી પાડવા માટે પ્રોત્સાહન પૂરું પાડશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt