

- બાળ દિવસ વિશેષ આવૃત્તિમાં સાયકલિંગ, ફિટનેસ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન અપાયું.
અમદાવાદ, 15 નવેમ્બર (હિ.સ.) : ભારતીય રમત પ્રાધિકરણ (SAI) દ્વારા આયોજિત ‘સન્ડેઝ ઑન સાયકલ’ની 98મી આવૃત્તિ બાળ દિવસ 2026 નિમિત્તે અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઉત્સાહભેર યોજાઈ હતી. આ કાર્યક્રમમાં SAI નેશનલ સેન્ટર ઑફ એક્સેલન્સ (NCOE), અમદાવાદના વૉલીબૉલ, બાસ્કેટબૉલ અને વુશુ રમતના પુરુષ તથા મહિલા ખેલાડીઓ સાથે, કોચ અને સ્ટાફ સભ્યોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો હેતુ સાયકલિંગ, ફિટનેસ, સામૂહિક સહભાગિતા અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો હતો.
કાર્યક્રમની શરૂઆત ઊર્જાસભર ઝુમ્બા સત્રથી થઈ હતી. જેમાં સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સત્ર દ્વારા દૈનિક જીવનમાં શારીરિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવા અને નિયમિત ફિટનેસનું મહત્વ સમજાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
SAI NCOE અમદાવાદના મુખ્ય કોચ (વૉલીબૉલ) ડૉ. જયદીપ સરકારે સાયકલ સવારોને લીલી ઝંડી બતાવીને સાયકલિંગ પ્રવૃત્તિનો પ્રારંભ કરાવ્યો હતો. SAI NCOE અમદાવાદના ઉપ નિયામક અને કેન્દ્ર પ્રભારી બિભુભૂષણ બેહુરાએ પણ, કાર્યક્રમમાં સક્રિય ભાગ લીધો હતો અને પોતે સાયકલ ચલાવીને અન્ય સહભાગીઓ સાથે જોડાયા હતા. તેમની સહભાગિતાએ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે જાતે સક્રિય રહેવાનો સંદેશ આપ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 29 ઑગસ્ટ, 2019ના રોજ, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની શરૂઆત કરી હતી. આ પહેલનો ઉદ્દેશ નાગરિકોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને શારીરિક પ્રવૃત્તિઓને દૈનિક જીવનનો અભિન્ન હિસ્સો બનાવવાનો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ