
રાજકોટ, 15 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના નાનામવા વિસ્તારમાં બુલેટ ધીમે ચલાવવા બાબતે થયેલી બોલાચાલી બાદ ફાયરિંગ કરી યુવાનની હત્યા કરવાના ચકચારી કેસમાં આરોપી રાજવીર વાળાની ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજી રાજકોટ સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. આરોપીએ ઉંમર અને અભ્યાસનું કારણ આગળ ધરી જામીન માંગ્યા હતા, પરંતુ ગંભીર ગુનાહિત ભૂમિકા અને પુરાવાઓને ધ્યાને લઈ અદાલતે અરજી રદ કરી છે.
ઘટનાની વિગત મુજબ, ગત તારીખ ૮ જુલાઈ, ૨૦૨૬ના રોજ રાત્રિના સમયે ફરિયાદી કુલદીપસિંહ જાડેજા વોકિંગમાં નીકળ્યા હતા ત્યારે તેમના માસીના દીકરા કૃષ્ણસિંહ જાડેજા રોડ પર પૂરપાટ ઝડપે બુલેટ ચલાવી હલ્લાબોલ કરતા યુવાનોને ઠપકો આપી રહ્યા હતા. આ બાબતે ઉશ્કેરાયેલા સગીર યુવકે તેના ભાઈ રાજવીર વાળાને બોલાવ્યો હતો. રાજવીરે સ્થળ પર આવી ગાળાગાળી કરતા કૃષ્ણસિંહે તેને ઝાપટ મારી હતી. ત્યારબાદ રાજવીરે ફોન કરીને પોતાના પિતા રણજિત વાળાને ટી.આર.પી. રોડ પર બોલાવ્યા હતા. થોડીવારમાં રણજિત વાળા, રાજવીર અને સગીર ભાઈ કૃષ્ણસિંહના ઘર પાસે પહોંચ્યા હતા, જ્યાં રાજવીર અને તેના ભાઈએ પિતાને ઉશ્કેરતા રણજિત વાળાએ બંદૂકમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી કૃષ્ણસિંહની હત્યા કરી હતી. ઉપરાંત, વચ્ચે પડેલા દાદા રહેન્દ્રસિંહ પર ફાયરિંગ મિસ થતા બંદૂકનો કૂંધો માથામાં મારી ગંભીર ઈજા પહોંચાડી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની કલમ ૧૦૩(૧), ૧૦૯(૧) અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસ કમિશનરે ગુનાની ગંભીરતા જોઈ તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરી હતી અને તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી. પોલીસે બાતમીના આધારે સરધાર નજીકથી પિતા-પુત્ર સહિત ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન આરોપી રાજવીર વાળાએ ડિસ્કવરી પંચનામામાં પોતાના મૂળ ગામ મોટા દેવળીયાની વાડીમાં અનાજની કોઠીમાં ઘઉંની અંદર સંતાડેલી પિસ્તોલ પોલીસને શોધી આપી હતી. આ ગંભીર કેસમાં રાજ્ય સરકાર દ્વારા ખાસ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ નિમણૂક કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા કોર્ટમાં વિસ્તૃત ચાર્જશીટ રજૂ કરાયા બાદ જેલમાં રહેલા આરોપી રાજવીર વાળાએ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. બચાવ પક્ષે દલીલ કરી હતી કે આરોપી માત્ર ૨૦ વર્ષનો છે, તેણે મૃતકને કોઈ જીવલેણ ઈજા પહોંચાડી નથી અને જેલમાં રહેવાથી તેનો અભ્યાસ તથા ભવિષ્ય બગડશે. તેની સામે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર અનિલભાઈ દેસાઈ અને મૂળ ફરિયાદીના વકીલ રૂપરાજસિંહ પરમારે લેખિત વાંધા અને દલીલો રજૂ કરતા જણાવ્યું હતું કે આરોપીએ પિતા પાસે પિસ્તોલ હોવાનું જાણવા છતાં તેમને બોલાવી સક્રિય ઉશ્કેરણી કરી હતી.
બંને પક્ષોની ધારદાર દલીલો, સીસીટીવી ફૂટેજ, ફોરેન્સિક-બેલિસ્ટિક રિપોર્ટ, નજરે જોનાર સાક્ષીઓના નિવેદનો અને ઉચ્ચ અદાલતોના ચુકાદાઓને ધ્યાને લઈ રાજકોટના એડિશનલ સેશન્સ જજ સી. જે. પટેલે આરોપી રાજવીર વાળાની જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે અનિલભાઈ દેસાઈ તથા ફરિયાદી અને મૃતકના પિતા હરદેવસિંહ જાડેજા વતી ધારાશાસ્ત્રી રૂપરાજસિંહ પરમાર, હુસૈનભાઈ હેરંજા, રવિભાઈ લાલ, જયદેવસિંહ ઝાલા, દિપકભાઈ ભાટિયા, અંકિતભાઈ ભટ્ટ, રહિમભાઈ હેરંજા, યુવરાજસિંહ ગોહિલ અને પ્રેમરાજસિંહ પરમારે કાયદાકીય કાર્યવાહી કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt