
રાજકોટ, 15 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકાર ફેંકતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં રેલનગર વિસ્તારમાં આવેલા અમી લક્ઝુરિયા એપાર્ટમેન્ટના સાતમા માળે વણવેચાયેલા ફ્લેટનું તાળું તોડી મહિલા સહિત ત્રણ શખ્સોએ ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી છે. આ મામલે એપાર્ટમેન્ટની દેખરેખ રાખતા મેનેજર પિયુષ કારીયાની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે રાહુલ બારોટ, હરેશ બારોટ અને એક અજાણી મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
મળતી વિગતો અનુસાર, ગાંધીગ્રામ નાણાવટી ચોક પાસે નાઇન્થ એવન્યુમાં રહેતા ૫૬ વર્ષીય પિયુષ અમૃતલાલ કારીયા મલય અનીલ દેસાઈની માલિકીની 'અમી બિલ્ડકોન' નામની ભાગીદારી પેઢીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે અને રેલનગર સ્થિત અમી લક્ઝુરિયા એપાર્ટમેન્ટના વેચાણ તથા દેખરેખનું કામકાજ સંભાળે છે. આ બિલ્ડિંગમાં ઘણા ફ્લેટ વેચાણ વગર ખાલી પડ્યા હોવાથી આરોપીઓએ તેનો ગેરલાભ ઉઠાવી ફ્લેટ પર કબજો જમાવવાનું કાવતરું રચ્યું હતું.
ઘટનાની વિગત મુજબ, ગત તારીખ ૧૨ નવેમ્બર ૨૦૨૬ના રોજ બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં પિયુષ કારીયા એપાર્ટમેન્ટ પર ફરજ પર હતા, ત્યારે સાતમા માળે આવેલા ફ્લેટ નંબર એ-૭૦૨નું તાળું એક ચાવી બનાવનાર કારીગર તોડી રહ્યો હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું. આ સમયે ત્યાં રાહુલ બારોટ, હરેશ બારોટ અને એક મહિલા પણ હાજર હતા. મેનેજરે કારીગરની પૂછપરછ કરતા તેણે રાહુલ બારોટના કહેવાથી તાળું તોડતો હોવાની કબૂલાત આપી હતી.
તાળું તૂટ્યા બાદ ત્રણેય આરોપીઓએ ફ્લેટમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી કબજો જમાવવાનો પ્રયાસ કરતા મેનેજરે તાત્કાલિક પેઢીના માલિક મલય દેસાઈને જાણ કરી હતી, જેમણે તુરંત ૧૧૨ પર પોલીસની મદદ માંગી હતી. દિવસદહાડે કોઈપણ જાતના ડર વગર આચરવામાં આવેલા આ કૃત્ય અંગે પ્ર.નગર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ. ડી. મકવાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે. કે. ચાવડાએ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt