
રાજકોટ, 15 નવેમ્બર (હિ.સ.) : ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે રાજકોટના બેન્કર્સ રિક્રિએશન ક્લબ ખાતે 'જનજાતીય ગૌરવ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં પ્રકૃતિ સાથે સહઅસ્તિત્વ, સામૂહિક જીવન અને માતૃભૂમિ માટે બલિદાન આપનાર આદિવાસી સમાજની વિશિષ્ટ ઓળખને બિરદાવવામાં આવી હતી અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત રૂ. ૩૧ લાખથી વધુની આર્થિક સહાયનું વિતરણ કરાયું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે માત્ર ૨૫ વર્ષની ટૂંકી જિંદગીમાં ભગવાન બિરસા મુંડાએ સમગ્ર દેશને શૌર્ય અને સ્વાભિમાનનો સંદેશો આપ્યો હતો. અંગ્રેજ શાસનની શોષણકારી નીતિઓ તેમજ અંધશ્રદ્ધા અને કુરિવાજો સામે લડીને તેમણે કરેલું ઉત્થાનનું કાર્ય ઇતિહાસમાં 'ઉલગુલન' એટલે કે મહાન ક્રાંતિ તરીકે અમર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૨૧થી દર વર્ષે ૧૫ નવેમ્બરે 'જનજાતીય ગૌરવ દિવસ' ઉજવવામાં આવે છે. 'વિકાસ ભી, વિરાસત ભી'ના મંત્ર સાથે મોડેલ એકલવ્ય સ્કૂલ, ધરતી આબા જનજાતી ગ્રામ ઉત્કર્ષ અભિયાન, પી.એມ. જનમન અભિયાન અને સખીમંડળની બહેનો માટે શબરી બૂથ તથા જોહાર કાફે જેવી અનેક પહેલ થકી આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. વર્તમાનમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી દેશનું નેતૃત્વ કરી રહ્યા છે અને ઓલિમ્પિકમાં અંકિતા ભક્ત જેવી દીકરીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધાર્યું છે.
કાર્યક્રમ દરમિયાન સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ લાભાર્થીઓને સહાય અર્પણ કરવામાં આવી હતી. જેમાં 'કુંવરબાઈનું મામેરું યોજના' હેઠળ ૭૫ લાભાર્થીઓને રૂ. ૦૯ લાખ, સાતફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ ૩૩ લાભાર્થીઓને રૂ. ૪.૯૫ લાખ, પ્રોત્સાહક ઈનામ રૂ. ૧.૦૨ લાખ, 'પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ' હેઠળ ૦૫ લાભાર્થીઓને રૂ. ૧૬ લાખ તેમજ 'સરસ્વતી સાધના યોજના' હેઠળ સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કલાકારો દ્વારા પરંપરાગત ડાંગી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું તેમજ આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓની ઝાંખી દર્શાવતી ડોક્યુમેન્ટરી રજૂ કરાઈ હતી. ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોએ મહારાષ્ટ્ર ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, મદદનીશ કમિશનર અજયભાઈ આચાર્ય સહિતના વહીવટી અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt