




પોરબંદર, 15 નવેમ્બર (હિ.સ.) : ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ નિમિત્તે જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા અને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી પ્રદિપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ખંભાળા ગામે જિલ્લા કક્ષાના ‘જનજાતિ ગૌરવ દિવસ’ની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રદેશ મંત્રી પ્રદિપસિંહ રાઠોડે ભગવાન બિરસા મુંડાના જીવન અને સંઘર્ષને યાદ કરતાં જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાએ બાળપણથી જ જળ, જંગલ અને જમીનના સંરક્ષણ માટે સંઘર્ષ કર્યો હતો. અંગ્રેજોના શોષણ અને અન્યાય સામે તેમણે 'ઉલગુલાન' (મહાવિદ્રોહ) આંદોલનનું નેતૃત્વ કરી અબુઆ દિશુમ, અબુઆ રાજ (આપણી ધરતી, આપણું રાજ)ના નારા સાથે આદિવાસી સમાજને સંગઠિત કર્યો હતો. 'ધરતી આબા' તરીકે પૂજાતા બિરસા મુંડાએ સમાજમાંથી અંધશ્રદ્ધા અને વ્યસનો દૂર કરવા તેમજ શિક્ષણ અને સામાજિક જાગૃતિનો સંદેશ ફેલાવવા નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
વર્તમાન સમયમાં સરકાર દ્વારા આદિવાસી સમાજના ઉત્થાન માટે હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલોની વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ 2021 થી ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને સમગ્ર દેશમાં 'જનજાતીય ગૌરવ દિવસ' તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, આદિવાસી સમાજનાં દીકરી દ્રૌપદી મુર્મુજી દેશનાં રાષ્ટ્રપતિ પદે બિરાજમાન છે. ગુજરાતના પિઠોરા ચિત્રકલાના કલાકાર પરેશભાઈ રાઠવા સહિતની પ્રતિભાઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરી જનજાતીય સમાજની પ્રતિભાઓને રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવી છે. 'પીએમ જનમન' યોજના અંતર્ગત આદિવાસી વિસ્તારોમાં પાકાં મકાનો, પીવાનું પાણી, વીજળી, રસ્તા અને આરોગ્ય સહિતની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આજે આદિવાસી સમાજના યુવાનો શિક્ષણ ક્ષેત્રે આગળ વધી આઈએએસ, ડોક્ટર અને એન્જિનિયર બની રહ્યા છે, તેમજ રમતગમતના આંતરરાષ્ટ્રીય મંચો પર પણ દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
વધુમાં તેમણે આદિવાસી સમાજને શિક્ષણનું મહત્ત્વ સમજી સંગઠિત બનવા તથા પોતાની સાંસ્કૃતિક વિરાસત જાળવી રાખીને વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરાએ ભગવાન બિરસા મુંડાના બલિદાનને યાદ કરતાં જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડા માત્ર એક વ્યક્તિ નહીં, પરંતુ અન્યાય સામેના સંઘર્ષ અને આદિવાસી સમાજના જળ, જમીન, જંગલ તથા સંસ્કૃતિના રક્ષણના પ્રતીક હતા. આદિવાસી સમાજને પ્રકૃતિના સાચા રક્ષક ગણાવી તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના પ્રારંભને ગૌરવપૂર્ણ ગણાવ્યો હતો.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય, પાણી, આવાસ અને રોજગાર સહિતની વિવિધ યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચાડવા કટિબદ્ધ છે. આદિવાસી સમાજની દીકરીઓ શિક્ષણ મેળવી આત્મનિર્ભર બની રહી છે તે આનંદની બાબત હોવાનું જણાવી તેમણે જિલ્લા પંચાયત દ્વારા પણ લોકોના પ્રશ્નોના નિરાકરણ અને સરકારી યોજનાઓના લાભો પહોંચાડવા સતત પ્રયત્નશીલ રહેવાની ખાતરી આપી હતી.
જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ આદિજાતિ સમાજની આગવી જીવનશૈલી, સાંસ્કૃતિક પરંપરાઓ અને પ્રકૃતિ સાથેના અતૂટ સંબંધની સરાહના કરી હતી. તેમણે આદિવાસી સમાજની પ્રકૃતિ સાથે સુમેળ સાધીને જીવવાની પરંપરાને પ્રેરણારૂપ ગણાવી હતી.
વધુમાં તેમણે આદિજાતિ પરિવારોના સર્વાંગી વિકાસ, નેસવાસી પરિવારોના યોગ્ય સ્થળાંતર અને સરકારી યોજનાઓના લાભ છેવાડાના પરિવારો સુધી પહોંચાડવા વહીવટી તંત્રની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. અંતમાં તેમણે બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવા તેમજ આધુનિક વિકાસની સાથે પરંપરાગત સંસ્કૃતિ અને વારસાનું જતન કરવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને જીવનશૈલીને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ ઉપસ્થિત મહાનુભાવો સહિત સૌએ નિહાળ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી નેહા સોજીત્રા, તાલુકા પંચાયત પ્રમુખ જયેશભાઈ ભૂતિયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, જિલ્લા આરોગ્ય સમિતિની ચેરમેન સીમાબેન ભારવાડીયા, કારોબારી સમિતિના અધ્યક્ષ રણમલભાઈ, સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ, આદિજાતિ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya