ગોંડલ પંથકમાંથી 13 વર્ષની સગીરાનું અપહરણ કરી કૌટુંબિક ભાઈનું દૂષ્કર્મ
રાજકોટ, 17 નવેમ્બર (હિ.સ.) : ગોંડલ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાંથી 13 વર્ષની સગીરાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલામાં ભોગ બનનાર સગીરાની વાડીની નજીકમાં જ રહેતો તેનો કૌટુંબિક ભાઈ મુખ્ય આરોપી હોવાન
દૂષ્કર્મ ની ઘટના


રાજકોટ, 17 નવેમ્બર (હિ.સ.) : ગોંડલ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાંથી 13 વર્ષની સગીરાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલામાં ભોગ બનનાર સગીરાની વાડીની નજીકમાં જ રહેતો તેનો કૌટુંબિક ભાઈ મુખ્ય આરોપી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભોગ બનનાર સગીરાનો પરિવાર ગોંડલ પંથકના એક ગામની સીમમાં રહીને ખેતમજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમની વાડીની નજીકમાં જ રહેતા કૌટુંબિક ભાઈ દ્વારા અવારનવાર સગીરાના ઘરે આવીને તેને અભદ્ર ઈશારા કરીને પજવણી કરવામાં આવતી હતી, જે બાદ તેણે આ ગુનાહિત કૃત્યને અંજામ આપ્યો હતો.

ઘટનાની રાત્રે જ્યારે સગીરાના પરિવારના તમામ સભ્યો ગાઢ નિદ્રામાં હતા, તે દરમિયાન આરોપી કૌટુંબિક ભાઈ ઘરમાં પ્રવેશ્યો હતો. તેણે સૂતેલી સગીરાને જગાડીને લલચાવી-ફોસલાવી હતી અને પરિવારજનોને જાણ ન થાય તે રીતે ઘરેથી ભગાડી ગયો હતો. ત્યારબાદ આરોપી સગીરાને એક રિક્ષામાં બેસાડીને ગોંડલથી સીધો મોરબી જિલ્લાના એક ગામડામાં લઈ ગયો હતો, જ્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

બીજા દિવસે સવારે જ્યારે પરિવારના સભ્યો જાગ્યા ત્યારે ઘરમાં સગીરા હાજર ન જણાતા તેઓ ચિંતામાં મુકાઈ ગયા હતા. પરિવારજનોએ તાત્કાલિક આસપાસના સીમ વિસ્તારમાં તેમજ સગા-સંબંધીઓને ત્યાં સગીરાની શોધખોળ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન પરિવારને જાણવા મળ્યું હતું કે નજીકમાં રહેતો તેમનો કૌટુંબિક ભાઈ પણ રાતથી ગાયબ છે. આખરે સગીરા મળી આવતા તેણે પોતાની સાથે બનેલી સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને કરી હતી, જે સાંભળીને પરિવારજનો તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

ભોગ બનનાર સગીરાના પરિવારજનોની ફરિયાદના આધારે ગોંડલ તાલુકા પોલીસે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી કૌટુંબિક ભાઈ વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ દ્વારા ભોગ બનનાર સગીરાનું મેડિકલ પરીક્ષણ કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, ઘટના બાદ ફરાર થઈ ગયેલા આરોપીને વહેલી તકે ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને મોરબી સહિતના સંભવિત આશ્રયસ્થાનો પર તપાસ અને દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande