
ગીર સોમનાથ 17 નવેમ્બર (હિ.સ.) : તાલાલા તાલુકાનાં માધુપુર ગીર ગામે પ્રાંચી રોડ ઉપર દાતાઓના સહયોગથી નવનિર્મિત નાગબાઈ માતાજીના ભવ્ય નૂતન મંદિરનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ધાર્મિક માહોલમાં હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો...માતાજીના જય ઘોષ સાથે યોજાયેલ ધાર્મિક કાર્યક્રમો થી માધુપુર ગીર ગામ આનંદવિભોર થઈ ગયું હતું.
દાતાઓના સહયોગથી પ્રાંચી રોડ ઉપર રૂ.૫૦ લાખના ખર્ચે ભવ્ય નૂતન મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં ત્રિ દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.આ પાવન પ્રસંગે ત્રણ દિવસ દરમિયાન માતાજીના રાસ-ગરબા,પૂજા-અર્ચના, મહાયજ્ઞ, તુલસી વિવાહ, નંદ ઉત્સવ, શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. મહોત્સવના સમાપન પ્રસંગે માધુપુર ગીર સહિત આસપાસનાં ગામોના મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.માતાજીના આશિર્વાદ સાથે સૌએ સમૂહ પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. આ ધાર્મિક પ્રસંગે તાલાલા તાલુકા પંચાયત પ્રમુખ વિમલભાઈ વાડોદરિયા, વિવિધ સમાજના અગ્રણીઓ, યુવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને દિપાવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ