
સુરત, 17 નવેમ્બર (હિ.સ.): સુરતના પાંડેસરા વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. સનાતન ડાયમંડ ગ્વાલક નગરમાં રહેતા 20 વર્ષીય મહાવીર અશોકરામે પોતાના રૂમમાં ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. મહાવીર મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો અને પરિવારના અન્ય સભ્યોથી અલગ રૂમમાં એકલો રહેતો હતો. તેના પરિવારજનો નજીકમાં જ રહેતા હતા.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, મહાવીરના લગ્ન આશરે 5થી 6 મહિના પહેલાં જ થયા હતા. તેની પત્ની હાલ બિહાર સ્થિત પોતાના પિતાના ઘરે રહેતી હતી. મૃતકના ભાઈ નાગરાજે જણાવ્યું હતું કે મહાવીર મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને કોઈની સાથે તેનો ઝઘડો કે વિવાદ થયો હોવાની જાણ નથી. ઘટનાની જાણ થતાં પરિવારજનો રૂમ પર પહોંચ્યા હતા, જ્યાં દરવાજો અંદરથી બંધ હોવાથી તેને તોડીને અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી યુવકે આ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે તપાસ શરૂ કરી છે. લગ્નના થોડા જ મહિનાઓમાં બનેલી આ ઘટનાથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે