રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાડવા પાસે બંધ ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં કેશોદના 23 વર્ષીય લોકગાયકનું મોત
રાજકોટ, 17 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાડવા નજીક બંધ પડેલા ગેસ ટેન્કરની પાછળ પૂરઝડપે આવતી કાર ઘૂસી જતાં કેશોદના 23 વર્ષીય આશાસ્પદ ગુજરાતી લોકગાયક કિશન સોલંકીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. સંગીતના કાર્યક્રમ અર્થે અમદાવાદ જઈ ર
રાજકોટ નજીક કેશોદના લોકગાયકનું અકસ્માતમાં મોત


રાજકોટ, 17 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાડવા નજીક બંધ પડેલા ગેસ ટેન્કરની પાછળ પૂરઝડપે આવતી કાર ઘૂસી જતાં કેશોદના 23 વર્ષીય આશાસ્પદ ગુજરાતી લોકગાયક કિશન સોલંકીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. સંગીતના કાર્યક્રમ અર્થે અમદાવાદ જઈ રહેલા યુવકની કાર ટેન્કર નીચે ઘૂસી જતાં કારનો બુકડો બોલી ગયો હતો. આ દુર્ઘટનામાં ચાર બહેનોએ પોતાનો એકનો એક ભાઈ ગુમાવતાં પરિવારમાં ઘેરો શોક છવાયો છે.

રાજકોટ-અમદાવાદ હાઈવે પર વધુ એક જીવલેણ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરના ગંગનાથ પરા વિસ્તારમાં રહેતા 23 વર્ષીય ગુજરાતી લોકગાયક કિશનકુમાર રતનજીભાઈ સોલંકી ગઈકાલે રાત્રે પોતાની કાર લઈને કેશોદથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન હાઈવે પર કુવાડવા ગામ નજીક ક્રિષ્ના વોટરપાર્ક અને ભગીરથ પેટ્રોલ પંપની સામે રોડ પર એક ગેસ ટેન્કર બંધ હાલતમાં ઊભું હતું. રાત્રિના સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી કિશનની કાર આ બંધ પડેલા ટેન્કરની પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ટેન્કરની નીચે ઘૂસી ગયો હતો અને કારનું પડીકું વળી ગયું હતું.

અકસ્માતનો પ્રચંડ અવાજ સાંભળીને આસપાસના રહેવાસીઓ અને હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. કારમાં કિશન એકલો જ સવાર હતો અને અકસ્માતની ગંભીરતાને કારણે તેના ગળાના ભાગે જીવલેણ ઈજા પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, પરંતુ ઘટનાસ્થળે પહોંચેલા 108ના ઈએમટી સ્ટાફે તપાસ કરીને યુવકને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના પતરાં ખરાબ રીતે વળી જવાથી મૃતદેહ અંદર જ ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢવો અત્યંત મુશ્કેલ બન્યો હતો.

બનાવની જાણ થતા જ કુવાડવા રોડ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ અને સ્થાનિક લોકોએ અંદાજે દોઢ કલાક સુધી ભારે જહેમત ઉઠાવી, સાધનોની મદદથી કારના વળી ગયેલા પતરાં કાપીને મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પોલીસે ક્ષતિગ્રસ્ત કારની તલાશી લેતાં અંદરથી એક હાર્મોનિયમ મળી આવ્યું હતું, જેના પરથી મૃતક સંગીત કલાકાર હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર અને મૃતકના ખિસ્સામાંથી મળેલા જરૂરી દસ્તાવેજોના આધારે તેની ઓળખ થઈ હતી અને કેશોદ સ્થિત તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.

મૃતક કિશન સોલંકી ગુજરાતી લોકસંગીત અને ડાયરાના કાર્યક્રમોમાં ગાયક કલાકાર તરીકે જાણીતો હતો અને હાર્મોનિયમ વાદનમાં પણ નિપુણ હતો. તે સંગીતના કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા માટે જ અમદાવાદ જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં આ કાળમુખો અકસ્માત નડ્યો હતો. પરિવારજનોની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે કિશન ચાર બહેનો વચ્ચે એકનો એક અને સૌથી નાનો ભાઈ હતો. આ ઉપરાંત, તે કેશોદમાં એક યુવતી સાથે મૈત્રી કરાર એટલે કે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતો હોવાની વિગતો પણ સામે આવી છે. આશાસ્પદ યુવાનના અકાળે અવસાનથી ચાર બહેનોએ પોતાનો વહાલસોયો ભાઈ ગુમાવ્યો છે.

સમાચાર મળતા જ મૃતકના પરિવારજનો અને સગા-સંબંધીઓ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ દુર્ઘટનાને પગલે સમગ્ર સોલંકી પરિવાર અને કેશોદ પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. હાલ કુવાડવા રોડ પોલીસે બંધ ટેન્કરના ચાલકની બેદરકારી સહિતના પાસાઓને ધ્યાનમાં રાખીને અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande