
પાટણ, 17 નવેમ્બર (હિ.સ.) : પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામમાં આવેલા શ્રી ગૌરી માતાજીના મંદિરે મંગળવારે કારતક સુદ આઠમ એટલે કે માસિક દુર્ગાષ્ટમીના પવિત્ર અવસરે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાણસ્મામાં રહેતા અને મૂળ ચંદ્રુમાણા ગામના ચંદ્રુમાણીયા વ્યાસ પરિવાર દ્વારા આ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. નૂતન વર્ષના પ્રારંભથી મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ યજ્ઞનું આયોજન સ્વ. વાસુદેવભાઈ જયશંકર વ્યાસ અને સ્વ. મફતલાલ જયશંકર વ્યાસના પરિવારે કર્યું હતું.
યજ્ઞ પ્રસંગે વિદ્વાન પંડિતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે સવારે યજ્ઞવિધિનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. વિવિધ ધાર્મિક વિધિઓ અને આહુતિઓ સાથે બપોરે યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ધાર્મિક માહોલમાં યોજાયેલા આ યજ્ઞમાં બહારગામથી આવેલા મહેમાનો તેમજ ગામના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી શ્રી ગૌરી માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ચંદ્રુમાણા ગામના બ્રહ્મસમાજના પરિવારો માટે બ્રહ્મ ચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ સાથે મળીને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. આ પ્રસંગે શ્રી ગૌરી માતા દેવસ્થાન ટ્રસ્ટના પ્રમુખ ચેતનભાઈ વ્યાસ સહિત ટ્રસ્ટના પદાધિકારીઓ, ટ્રસ્ટીઓ અને ગામના આગેવાનોએ ચાણસ્માના વ્યાસ પરિવારનું સ્વાગત કર્યું હતું. પરિવાર દ્વારા કરવામાં આવેલા ધાર્મિક આયોજનને ઉપસ્થિત આગેવાનોએ બિરદાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ