
ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઇ વી.ડી.રાવલીયાની ટીમે રૈયાની ધાર વિસ્તારમાંથી ગઈકાલે 24 વર્ષીય અનિલ સોલંકીને દબોચી 161.120 ગ્રામ સોનાનો ઢાળિયો અને રોકડા રૂ. 15 હજાર કબજે કર્યા
રાજકોટ, 17 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ શહેરમાં રિક્ષામાં મુસાફરી કરતા વૃદ્ધ દંપતીની નજર ચૂકવી સોનાના દાગીના અને રોકડ મળી રૂ.17.40 લાખની ચોરી કરનાર શખ્સને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પોલીસે રૈયાની ધાર વિસ્તારમાં રહેતા અનીલ રામાભાઈ સોલંકીની ધરપકડ કરી તેની પાસેથી ચોરીના દાગીના ઓગાળીને બનાવેલો 161.120 ગ્રામ સોનાનો ઢાળિયો અને રોકડા રૂ. 15,000 સહિતનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે.
ઘટનાની વિગત મુજબ, જૂનાગઢના ટીંબાવાડી રોડ પર રહેતા 70 વર્ષીય નિવૃત્ત શિક્ષક માલદેભાઈ રામભાઈ રાવલીયા અને તેમના પત્ની રેખાબેન ગત 28 ઓક્ટોબરના રોજ રાજકોટના પુષ્કરધામ મેઈન રોડ પર રહેતા તેમના પુત્ર રવિભાઈના ઘરે રહેવા માટે આવ્યા હતા. સાંજના સમયે ગોંડલ ચોકડી બસ સ્ટોપ પર ઉતર્યા બાદ દંપતીએ પ્રદ્યુમન રોયલ હાઈટ્સ જવા માટે રૂ. 120ના ભાડે એક ઓટો રિક્ષા કરી હતી. રિક્ષા થોડે આગળ જતાં ચાલકે એક અજાણ્યા મુસાફરને માલદેભાઈની બાજુમાં બેસાડ્યો હતો.
મુસાફરના સ્વાંગમાં બેસેલા આ શખ્સે પોતાની બેગ માલદેભાઈના કોફી કલરના થેલા પર મૂકીને દંપતીની નજર ચૂકવી હતી. થેલામાં રાખેલા કાળા રંગના લેડીઝ પર્સમાંથી તેણે રોકડા રૂ. 15 હજાર તેમજ અંદાજે 164.25 ગ્રામ વજનના સોનાના દાગીના, જેમાં બે મંગળસૂત્ર, ચાર જોડી બુટિયા, ચેન અને ચાર વીંટીઓ સામેલ હતી, તે સેરવી લીધા હતા. દંપતી જ્યારે પુત્રના ઘરે પહોંચી સામાન ગોઠવતા હતા ત્યારે પર્સમાં માત્ર સવા ગ્રામનું એક બુટિયું જ બચ્યું હોવાનું જણાતા સમગ્ર ચોરીની જાણ થઈ હતી અને યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલવા માટે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક, ડીસીપી જગદીશ બાંગરવા અને એસીપી બી.બી. બસીયાની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોતરાઈ હતી. પીઆઈ એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર અને સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.ડી. રાવલીયા, હેડ કોન્સ્ટેબલ સાગર માવદીયા, યજુવેન્દ્રસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ તોફીક જુણાચને મળેલી ચોક્કસ બાતમી તેમજ ટેકનિકલ સોર્સના આધારે તપાસ હાથ ધરાઈ હતી.
પોલીસે બાતમીના આધારે ગઈકાલે રૈયાની ધાર મફતીયાપરા, રામાપીર ચોકડી પાસે રહેતા 24 વર્ષીય મજૂર અનીલ રામાભાઈ સોલંકી (જાતે દેવીપુજક)ને ઝડપી લીધો હતો. પૂછપરછ અને તપાસ દરમિયાન તેની પાસેથી રૂ. 17,25,000ની કિંમતનો 161.120 ગ્રામ વજનનો સોનાનો ઢાળિયો તથા રૂ. 500ના દરની ચલણી નોટો મળી રોકડા રૂ. 15,000 સહિત કુલ રૂ. 17,40,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપી અગાઉ પણ વર્ષ 2023માં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે અને હાલ પોલીસે બી.એન.એસ. કલમ 305(સી) મુજબ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt