


પોરબંદર , 17 નવેમ્બર (હિ.સ.) ધાર્મિક કાર્યક્રમોની સાથે સામાજિક જાગૃતિ અને મહિલા સુરક્ષાનો સંદેશ આપવાની અનોખી પહેલ પોરબંદરમાં કરવામાં આવી હતી. છાયા વિસ્તારમાં આવેલી બ્રહ્મ સમાજની વાડી ખાતે વેદમાતા મહિલા પાંખનાં નિમિષા જોશી અને તેમની ટીમ દ્વારા મહિલાઓના વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પોરબંદર મહિલા પોલીસ સ્ટેશન દ્વારા જાગૃતિ સેમિનાર યોજી ઉપસ્થિત મહિલાઓને કાયદાકીય અને સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર રામ સાહેબ, એએસઆઈ વિષ્ણુભાઈ તથામહિલા પોલીસ કોન્સ્ટેબલો ઉપસ્થિત રહ્યાં હતાં. પોલીસ ટીમે મહિલાઓને વર્તમાન સમયના પડકારો, મહિલાઓના અધિકારો અને સુરક્ષા માટેના કાયદાઓ અંગે સરળ ભાષામાં સમજ આપી હતી.
જાહેર રસ્તાઓ, બજારો અને ભીડભાડવાળા વિસ્તારોમાં અવરજવર કરતી વખતે રાખવાની તકેદારી અંગે પણ જરૂરી સૂચનો કરવામાં આવ્યાં હતાં. ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો સુરક્ષિત ઉપયોગ કરવા, અજાણી લિંક અને શંકાસ્પદ મેસેજથી દૂર રહેવા તેમજ ઓનલાઇન છેતરપિંડી અને સાયબર ગુનાઓ સામે સતર્ક રહેવા અપીલ કરાઈ હતી.આ ઉપરાંત મુશ્કેલીના સમયે તાત્કાલિક મદદ મેળવવા માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇન, 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન અને ઓનલાઇન નાણાકીય છેતરપિંડીની ફરિયાદ માટે 1930 સાયબર હેલ્પલાઇન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ધાર્મિક માહોલમાં મહિલાઓને કાયદાકીય અધિકારો, સ્વરક્ષણ અને સાયબર સુરક્ષા અંગે જાગૃત કરવાનીઆ પહેલને ઉપસ્થિત મહિલાઓ અને આયોજકોએ આવકારી હતી. ધાર્મિકઆસ્થા સાથે સમયની જરૂરિયાત મુજબ સામાજિક જાગૃતિનો સંદેશ આપતો આ કાર્યક્રમ નોંધપાત્ર બન્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya