રાજકોટ નજીક હલેન્ડા ગામે જીવંત વીજવાયર તૂટી માથે પડતાં વૃદ્ધ ખેડૂત દંપતીનું કરુણ મોત નીપજ્યું
ગાંડુભાઈ વાવડીયા (ઉ.વ.71) અને તેમના પત્ની કાંતાબેન (ઉ.વ.70) ખેતરે રોજિંદુ કામ કરતા હોય ત્યારે વાડી પરથી પસાર થતો વીજવાયર તૂટીને માથે પડ્યો''તો દંપતીને શોક લાગતા બૂમાબૂમ કરી મુકતા નજીકમાં જ કામ કરતા પુત્ર હસમુખ (ઉ.વ.40) અને પુત્રવધૂ દયા (ઉ.વ.38)
હલેન્ડા ગામે વીજશોક લાગતા વૃદ્ધ દંપતીનું મૃત્યુ


ગાંડુભાઈ વાવડીયા (ઉ.વ.71) અને તેમના પત્ની કાંતાબેન (ઉ.વ.70) ખેતરે રોજિંદુ કામ કરતા હોય ત્યારે વાડી પરથી પસાર થતો વીજવાયર તૂટીને માથે પડ્યો'તો

દંપતીને શોક લાગતા બૂમાબૂમ કરી મુકતા નજીકમાં જ કામ કરતા પુત્ર હસમુખ (ઉ.વ.40) અને પુત્રવધૂ દયા (ઉ.વ.38) બચાવવા દોડ્યા પણ મોડું થઈ ગયું, બંને દાઝી જતા સારવારના ખસેડાયા

રાજકોટ, 17 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ તાલુકાના હલેન્ડા ગામે વાડીએ ખેતીકામ કરી રહેલા કોળી દંપતી પર અચાનક ૧૧ કે.વી.નો જીવંત વીજતાર તૂટી પડતા ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં કરંટ લાગવાથી બંનેના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઊડી ગયા હતા. બનાવના પગલે આજીડેમ પોલીસ તથા પીજીવીસીએલનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. બનાવના પગલે પીજીવીસીએલના અધિકારીઓ તથા કર્મચારીઓ સામે ગ્રામજનોએ રોષ વ્યકત કર્યો હતો.

મળતી માહિતી મુજબ, રાજકોટ-આટકોટ રોડ પર આવેલા હલેન્ડા ગામની સીમમાં આજે વહેલી સવારે વાડીએ ખેતીકામ કરી રહેલા ગાંડુભાઈ જાદવભાઈ વાવડીયા (ઉ.વ.71) અને તેમના પત્ની કાંતાબેન ગાંડુભાઈ વાવડીયા (ઉ.વ.70) ઉપર વીજપોલ પરથી અચાનક ૧૧ કે.વી.નો જીવંત વીજવાયર તૂટી પડ્યો હતો. જેના કારણે ભારે કરંટ લાગવાથી દંપતીનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. આ ગોઝારી ઘટનાને પગલે વાવડીયા પરિવાર અને સમગ્ર ગામમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.

બનાવ અંગે પોલીસ તથા ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું હતું કે, ગાંડુભાઈ અને કાંતાબેન પોતાની વાડીએ રોજિંદુ ખેતીકામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક વીજવાયર તૂટીને સીધો તેમના પર પડ્યો હતો. પ્રવાહ ચાલુ હોવાથી બંને વીજ કરંટની ઝપેટમાં આવી ગયા હતા. શોક લાગતાની સાથે જ દંપતીએ બૂમાબૂમ કરી મૂકી હતી જેનો અવાજ સાંભળી ખેતરમાં નજીકમાં જ કામ કરતો તેમનો પુત્ર હસમુખ (ઉ.વ.40) અને પુત્રવધૂ દયા (ઉ.વ.38) બચાવવા માટે દોડી આવ્યા હતા પણ મોડું થઈ ગયું હતું. આ ઘટનામાં પુત્ર અને પુત્રવધૂને પણ ઈજા પહોંચી હતી જેઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

દરમિયાન આજુબાજુના ખેતરોમાં કામ કરતા લોકો અને ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, પરંતુ ગંભીર રીતે દાઝી ચૂકેલા દંપતીને બચાવવાની કોઈ તક મળી નહોતી. સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

વધુમાં પોલીસના જણાવ્યા મુજબ મૃતક ગાંડુભાઈ બે ભાઈઓ અને ચાર બહેનોમાં મોટા હતા તેમજ દંપતીને સંતાનમાં ચાર દીકરા અને ચાર દીકરીઓ છે. દંપતી નિત્યક્રમ મુજબ વાડીએ કામ કરતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. આ કરુણ બનાવ બાદ સ્થાનિક ગ્રામજનોમાં વીજતંત્રની કામગીરી સામે ભારે રોષ ફેલાયો છે.

ગ્રામજનોના આક્ષેપ મુજબ, આ વિસ્તારમાં લાંબા સમયથી વીજવાયરો અત્યંત જર્જરિત હાલતમાં છે અને અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવા છતાં વીજતંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કે મરામત કરવામાં આવી નથી. બેદરકારીના કારણે હસતા-ખેલતા પરિવારનો માળો ઉજડી ગયો છે.

બનાવ અંગે પોલીસ દ્વારા અકસ્માતે મોતની નોંધ કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. ગ્રામજનો અને આગેવાનો દ્વારા આ ગંભીર દુર્ઘટના માટે જવાબદાર તંત્ર સામે કડક પગલાં લેવામાં આવે તેવી ઉગ્ર માગ કરવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં આવા જીવલેણ અકસ્માતો અટકી શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande