
- શહેરમાં 30 જગ્યાએ કેપ્સ્યૂલ સિસ્ટમ લાગુ
અમદાવાદ,17 નવેમ્બર (હિ.સ.) અમદાવાદમાં ટ્રાફિક અને સિગ્નલ મુક્ત અભિયાન અંતર્ગત સોલા સિવિલ હોસ્પિટલ પાસે કેપ્સ્યુલ સિસ્ટમ શરૂ કરાઈ. વાહનચાલકોનો 80 સેકન્ડનો સમય બચશે, એમ્બ્યુલન્સને પણ રાહત મળશે.
અમદાવાદને ટ્રાફિક અને સિગ્નલ મુક્ત બનાવવા માટે મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના ટ્રાફિકથી ધમધમતા ચાર રસ્તાઓ પર વાહનચાલકોએ લાંબા સમય સુધી સિગ્નલ ખુલવાની રાહ જોવી પડે છે. ઘણી જગ્યાએ 120 સેકન્ડથી વધુ સમય સુધી વાહનોની લાંબી કતારો લાગે છે. આ સમસ્યાના ઉકેલ માટે શહેરમાં કેપ્સ્યુલ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી રહી છે.
અમદાવાદ શહેરને ટ્રાફિક અને સિગ્નલ મુક્ત કરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરાયેલા અભિયાન અંતર્ગત એસ.જી. હાઈવેના સોલા સિવિલ ચાર રસ્તાનો કટ બંધ કરીને ત્યાં કેપ્સ્યૂલ સિસ્ટમ લાગુ કરાઈ છે. આ સિસ્ટમથી વાહનચાલકો અને ખાસ કરીને હોસ્પિટલ જતી એમ્બ્યુલન્સને ટ્રાફિક સિગ્નલમાં અટવાવું નહીં પડે અને અંદાજે 80 સેકન્ડ જેટલા સમયની બચત થશે. શહેરમાં આ પ્રકારે કુલ 30 જગ્યા પર કેપ્સ્યૂલ સિસ્ટમ અમલમાં મુકાઈ છે, જેનાથી ટ્રાફિકમાં રાહત થઈ છે.
એસ.જી. હાઈવે પર આવેલી સોલા સિવિલ હોસ્પિટલ સામેના સર્કલ પર સર્જાતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા ટ્રાફિક વિભાગે આ વ્યવસ્થા ગોઠવી છે. નવી સિસ્ટમ મુજબ વાહનચાલકો સર્કલ પરથી સીધો ટર્ન લઈ શકશે નહીં, પરંતુ ચાર રસ્તાથી બંને બાજુએ 100થી 150 મીટર આગળ બનાવાયેલા કેપ્સ્યૂલ આકારના કટ પરથી સરળતાથી યુ-ટર્ન લઈ શકશે.
અગાઉ સિગ્નલ બંધ રહેવાને કારણે વાહનોની લાંબી કતારો લાગતી હતી, જેમાં સોલા સિવિલ જતી 108 એમ્બ્યુલન્સ સહિતના ઇમરજન્સી વાહનો ફસાઈ જતા હતા, જે હવે કોઈપણ અવરોધ વિના સીધા હોસ્પિટલ પહોંચી શકશે.
ટ્રાફિક ડીસીપી નરેશ કણજારીયાએ જણાવ્યું કે, અગાઉ આ સિગ્નલ પર વાહનચાલકોને 120 સેકન્ડ સુધી ઊભા રહેવું પડતું હતું અને અકસ્માતનું જોખમ પણ વધુ રહેતું હતું. જોકે, કેપ્સ્યુલ સિસ્ટમ શરૂ થતાં હવે વાહનચાલકો માત્ર 40 સેકન્ડમાં રસ્તો ક્રોસ કરી શકશે. આ રીતે વાહનચાલકોના અંદાજે 80 સેકન્ડ બચશે અને ટ્રાફિકની સમસ્યામાં પણ ઘટાડો થશે.
શહેરના ટ્રાફિક ભારણને હળવું કરવા માટે કુલ 30 સ્થળોએ આ સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ