
ભાવનગર, 17 નવેમ્બર (હિ.સ.)કિડનીમાં પથરી થવાની સમસ્યા આજકાલ અનેક લોકોમાં જોવા મળી રહી છે. સારવાર બાદ એક વખત પથરી નીકળી જાય તો પણ ફરી પથરી થવાની શક્યતા રહે છે. ખાસ કરીને પૂરતું પાણી ન પીવું, વધુ પડતું મીઠું ખાવું, ખાવા-પીવાની અનિયમિત આદતો અને વારસાગત પરિબળો પથરી થવા માટે જવાબદાર બની શકે છે. તેથી પથરીની સારવાર બાદ પણ યોગ્ય કાળજી રાખવી જરૂરી છે.
આ અંગે ડૉ. જીગ્નેશભાઈ હડિયલે જણાવ્યું હતું કે, એક વખત પથરી થયા બાદ યોગ્ય પરેજી અને કાળજી રાખવામાં ન આવે તો 60થી 80 ટકા લોકોમાં ફરી પથરી થવાની શક્યતા રહે છે. ઓછું પાણી પીવું, વધુ પડતું મીઠું ખાવું, વારંવાર ચેપ લાગવો, વધારે ગરમીમાં રહેવું અને ખોરાકમાં અનિયમિતતા સહિતનાં કારણો પથરીની સમસ્યા વધારી શકે છે. કેટલાક કિસ્સામાં વારસાગત કારણો પણ જવાબદાર હોય છે. પથરીના અલગ અલગ પ્રકાર હોવાથી તેના કારણો પણ અલગ હોય છે.
પથરીના પ્રકારને ઓળખવા માટે જરૂરી રિપોર્ટ કરાવવા મહત્વપૂર્ણ છે. રિપોર્ટના આધારે ડૉક્ટર દર્દીને યોગ્ય આહાર અને પરેજી અંગે માર્ગદર્શન આપે છે. જરૂરિયાત મુજબ સમયાંતરે સોનોગ્રાફી, લોહીની તપાસ સહિતના રિપોર્ટ પણ કરાવવા જોઈએ.
તબીબોના મતે પથરીની સમસ્યા ફરી ન સર્જાય તે માટે પૂરતું પાણી પીવું, સંતુલિત આહાર લેવો, મીઠાનું પ્રમાણ નિયંત્રિત રાખવું અને ડૉક્ટરની સલાહ મુજબ નિયમિત તપાસ કરાવવી જરૂરી છે. યોગ્ય જીવનશૈલી અને સમયસર સારવારથી પથરીનું જોખમ ઘટાડી શકાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA