ત્રણ દિવસમાં 400 કિમીનું અંતર કાપી 11 સાયકલિસ્ટો દ્વારકાધીશના શરણે પહોંચ્યા
ભાવનગર,17 નવેમ્બર (હિ.સ.)ભાવનગર સાયકલ ક્લબના 11 સાયકલિસ્ટોએ સ્વાસ્થ્ય જાગૃતિ, પર્યાવરણ સંરક્ષણ અને સાયકલિંગને જીવનશૈલીનો ભાગ બનાવવાના સંદેશ સાથે ભાવનગરથી દ્વારકા સુધીની 400 કિલોમીટરની સાહસિક યાત્રા ત્રણ દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ યાત્રાન
સાયકલ યાત્રા


ભાવનગર,17 નવેમ્બર (હિ.સ.)ભાવનગર સાયકલ ક્લબના 11 સાયકલિસ્ટોએ સ્વાસ્થ્ય જાગૃતિ, પર્યાવરણ સંરક્ષણ અને સાયકલિંગને જીવનશૈલીનો ભાગ બનાવવાના સંદેશ સાથે ભાવનગરથી દ્વારકા સુધીની 400 કિલોમીટરની સાહસિક યાત્રા ત્રણ દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.

આ યાત્રાના પ્રથમ દિવસે સાયકલિસ્ટોએ 150 કિલોમીટરથી વધુ, બીજા દિવસે 120 કિલોમીટર અને ત્રીજા દિવસે આશરે 130 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. શિસ્ત, ટીમવર્ક, પરસ્પર સહકાર અને મજબૂત મનોબળના સહારે તમામ 11 સાયકલિસ્ટો નિર્ધારિત સમયમર્યાદામાં દ્વારકા પહોંચ્યા હતા.

યાત્રાનું નેતૃત્વ ગુજરાત સ્ટેટ સાયકલિંગ લીડર (Fit India – Sundays on Cycle) તથા ભાવનગર સાયકલ ક્લબના સ્થાપક કલ્પેશસિંહ ઝાલા અને ક્લબના કમિટી મેમ્બર શૈલેન્દ્રસિંહ ગોહિલે કર્યું હતું. યાત્રા દરમિયાન માર્ગ અને સમયનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું.

દ્વારકા પહોંચ્યા બાદ તમામ સાયકલિસ્ટોએ જગતમંદિરમાં દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ બેટ દ્વારકા પહોંચીને સુદર્શન સેતુની મુલાકાત લીધી હતી. ઉપરાંત હનુમાનદાંડી અને આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી બેટ દ્વારકાનાં વિવિધ ધાર્મિક સ્થળોનું પરિભ્રમણ કર્યું હતું.

આ યાત્રા દ્વારા ક્લબના સભ્યોએ નિયમિત સાયકલ ચલાવવાથી શારીરિક તંદુરસ્તી જાળવવા અને પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ થવાનો સંદેશ આપ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande