
જામનગર, 17 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટાવડાળા પાટીયા પાસે પુલિયા નજીક રોડ પર ફોન કરવાની ના પાડવાના મનદુઃખને લઈને પિતા-પુત્ર પર લાકડીઓ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર યુવાન દ્વારા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બનાવની વિગત અનુસાર, કાલાવડ તાલુકાના જસાપર ગામે રહેતા થોભણ છગનભાઈ વરુ નામના વીસ વર્ષીય યુવાને ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં મોટાવડાળા ગામના કિરીટ ઉર્ફે કારો દિલાભાઈ નાગસ અને મુકેશ દિલાભાઈ નાગસ સામે જુદી જુદી કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. અગાઉ આશરે બે મહિના પહેલા આરોપી કિરીટે ફરીયાદીના પરિવારની યુવતીને ફોન કર્યો હતો, જે બાબતે ફરીયાદીએ તેને ફોન કરવાની ના પાડી હતી. આ વાતનું મનદુઃખ રાખીને આરોપીઓએ આ હુમલો કર્યો હોવાનું ખૂલ્યું છે.
ગત તારીખ ૧૫ ના રોજ મોટાવડાળા પાટીયાથી ગામ તરફ જવાના પુલિયા પાસે ઉપરોક્ત બંને આરોપીઓ મોટરસાયકલ પર સવાર થઈને લાકડીઓ સાથે ધસી આવ્યા હતા. આરોપી કિરીટે ઉશ્કેરાઈને ફરીયાદીના પિતાના માથાના ભાગે લાકડીનો ઘા ઝીંકી દીધો હતો, જેના કારણે તેમને લોહીલુહાણ ઈજા પહોંચી હતી. આ ઉપરાંત ફરીયાદી યુવાનને પણ ગોઠણની નીચે લાકડીનો ઘા મારી ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી.
હુમલા દરમિયાન બંને આરોપીઓએ પિતા-પુત્રને આડેધડ માર મારી મૂઢ ઈજાઓ પહોંચાડી હતી અને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે યુવાનની ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt