
સુરત, 17 નવેમ્બર (હિ.સ.): સુરતના હીરાબાગ સર્કલ નજીક આવેલા એમ.કે. કોમ્પ્લેક્સના ટેરેસ પર એરટેલના મોબાઈલ ટાવર પાસે આવેલી ઇક્વિપમેન્ટ કેબિનમાં આજે સવારે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. સવારે અંદાજે 11:44 વાગ્યે આગ ફાટી નીકળતાં કેબિનમાંથી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આગની જાણ થતાં જ ફાયર વિભાગની ત્રણથી ચાર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. શરૂઆતમાં મોબાઈલ ટાવરમાં આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ તપાસ દરમિયાન આગ ટાવરમાં નહીં, તેની બાજુમાં આવેલી સાધનોની કેબિનમાં લાગી હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ફાયર વિભાગના જવાનોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને કારણે કેબિનમાં રાખવામાં આવેલી બેટરી અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોને નુકસાન થયું હતું. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર પણ સ્થળ પર પહોંચ્યું હતું અને સુરક્ષા તથા ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે