
જુનાગઢ 17 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર આયોજિત તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢ સંચાલિત રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે એક ખાસ સાહસિક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવનાર છે. આ શિબિરનો મુખ્ય હેતુ યુવાનોની શારીરિક ક્ષમતા વધારવાનો, તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાનો અને સાહસિકતાના ગુણોનો વિકાસ કરવાનો છે.
આ ઉપરાંત, પૂર, વાવાઝોડું, આગ અને ભૂકંપ જેવી કુદરતી કે કૃત્રિમ આપદાઓના સમયમાં યુવાનો સ્વબચાવ કરવાની સાથે-સાથે અન્ય લોકોને પણ મદદરૂપ બની શકે તે માટે આ તાલીમ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ પાંચ દિવસની નિવાસી શિબિરમાં ભાગ લેનાર શિબિરાર્થીઓને રહેવા, જમવા અને પ્રવાસભાડું સરકારશ્રી દ્વારા નિઃશુલ્ક આપવામાં આવશે. આ તાલીમ શિબિરમાં એન.સી.સી., એન.એસ.એસ., રમતગમત, સાહસિક પ્રવૃત્તિઓ અથવા અન્ય એડવેન્ચર પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ શિબિરાર્થીઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છુક યુવક-યુવતીઓએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બ્લોક નંબર ૧, પ્રથમ માળ, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ, પીન કોડ - ૩૬૨૦૦૧ ખાતેથી અથવા Facebook Id (Dydo Junagadh) પરથી અરજી ફોર્મ મેળવી શકાશે. મેળવેલ અરજી ફોર્મ સાથે જરૂરી આધાર-પુરાવાઓ સ્વ-પ્રમાણિત કરી તા. ૦૭/૧૨/૨૦૨૬ સુધીમાં ચાલુ દિવસોમાં કચેરી સમય દરમિયાન મોકલી આપવાનું રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ