
જૂનાગઢ, 17 નવેમ્બર (હિ.સ.) : ગિરનાર લીલી પરિક્રમા-૨૦૨૬ દરમિયાન ભવનાથ વિસ્તારમાં આવતા લાખો શ્રદ્ધાળુઓને વીજ પુરવઠા સંબંધિત કોઈ મુશ્કેલી ન પડે તે માટે પીજીવીસીએલ તંત્ર દ્વારા જરૂરી આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે. વીજ પુરવઠો અવિરત જળવાઈ રહે તે માટે ફીડરનું મેન્ટેનન્સ તેમજ વૈકલ્પિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
ભવનાથ વિસ્તારમાં વીજ પુરવઠો પૂરો પાડતા અંબાજી ફીડરનું સંપૂર્ણ મેન્ટેનન્સ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, વીજ પુરવઠામાં કોઈ વિક્ષેપ સર્જાય તો તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી શકાય તે માટે એ જ સબ સ્ટેશનના ચાર વૈકલ્પિક વિકલ્પો તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે પાંચમા વૈકલ્પિક વિકલ્પમાં અન્ય સબ સ્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
પરિક્રમા દરમિયાન વીજ પુરવઠા સંબંધિત ફરિયાદો અને સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવવા માટે ભવનાથ વિસ્તારમાં પીજીવીસીએલના કમ્પાઉન્ડમાં ૨૪*૭ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવનાર છે. આ કંટ્રોલરૂમનો સંપર્ક નંબર ૮૭૯૯૨૭૮૬૦૬ રહેશે. કંટ્રોલરૂમમાં પીજીવીસીએલના સ્ટાફ ઉપરાંત કોન્ટ્રાક્ટરની ટીમ પણ જરૂરી સાધનો સાથે વોકીટોકીથી સજ્જ રહીને ઉપલબ્ધ રહેશે.
પીજીવીસીએલ દ્વારા ગિરનાર લીલી પરિક્રમામાં આવતા તમામ શ્રદ્ધાળુઓને વીજળીનો ઉપયોગ સાવચેતી અને સલામતીપૂર્વક કરવા નમ્ર અપીલ કરવામાં આવી છે. તેમ પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર હિતેશ સોનીએ જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ