
સ્પર્ધામાં ભાગ લેવા માટે તા.૩૦ નવેમ્બર સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકાશે
જુનાગઢ 17 નવેમ્બર (હિ.સ.) : રાજ્યના તમામ નાગરિકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું સંવર્ધન થાય, મેદસ્વિતામુક્ત અભિયાનમાં બહુજન સમાજનો ફાળો વધે, આબાલવૃદ્ધમાં યોગ પ્રત્યે વધુ જાગૃતિ કેળવાય તેવા ઉમદા આશયથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 'યોગાસન સંસ્કાર- ૨૦૨૬ સ્પર્ધા'નું આયોજન કરવામાં આવ્યું છે.
જૂનાગઢમાં આ સ્પર્ધા જિલ્લા કક્ષા, ઝોન કક્ષા અને રાજ્ય કક્ષા એમ ત્રણ તબક્કામાં યોજાશે. રાજ્યના યોગપ્રેમી નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ શકે તે માટે વયજૂથ અનુસાર ચાર અલગ-અલગ કેટેગરી નક્કી કરવામાં આવી છે.
જેમાં ૯ થી ૧૬ વર્ષ, ૧૭ થી ૩૫ વર્ષ, ૩૬ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે જોડાયેલા યોગ કોચ અને ટ્રેનર્સ માટે અલગ કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ ઉત્સાહપૂર્વક ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ડિજિટલ પ્રમાણપત્ર આપવામાં આવશે. જ્યારે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિજેતા બનનાર સ્પર્ધકોને ફિઝિકલ પ્રમાણપત્ર સાથે નિયત રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઇચ્છુક તમામ યોગપ્રેમી નાગરિકોએ આગામી તા.૩૦ નવેમ્બર સુધીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સત્તાવાર પોર્ટલ https://yogasan.gsyb.in/ પર જઈને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે.
આ અંગે જૂનાગઢ જિલ્લાના નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ, વડીલો તથા યોગ સાધકોને જિલ્લા કક્ષાએથી ખાસ અપીલ કરવામાં આવે છે કે યોગાસન સ્પર્ધામાં ઉત્સાહભેર જોડાઈ પોતાની યોગ પ્રતિભા રજૂ કરે અને યોગમય, સ્વસ્થ સમાજના નિર્માણમાં સહભાગી બને. તેમ જયંતીભાઈ કાછડીયા, જિલ્લા યોગ કો ઓર્ડીનેટર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, જૂનાગઢ ગ્રામ્ય ૨ ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ