

- બોલેરો પીકઅપમાં ઘાસચારાની નીચે સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂ પોલીસના હાથે ઝડપાયો, વાહન સહિત રૂ. 14.69 લાખનો મુદ્દામાલ જપ્ત
કચ્છ,17 નવેમ્બર (હિ.સ.) કચ્છમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરી બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અપનાવવામાં આવતી અવનવી તરકીબો વચ્ચે પૂર્વ કચ્છના આડેસર ખાતે પોલીસે એક મોટા દારૂ પરિવહનનો પર્દાફાશ કર્યો છે. વાહનમાં લીલો ઘાસચારો ભરી તેની આડમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને લઈ જવામાં આવી રહ્યો હતો. જોકે, આડેસર ચેકપોસ્ટ પર પોલીસની સતર્કતા અને વાહન ચેકિંગ દરમિયાન બુટલેગરોની આ યુક્તિ નિષ્ફળ સાબિત થઈ હતી. પોલીસે 5,388 બોટલ અને ટીન દારૂનો જથ્થો ઝડપી પાડી વાહન સહિત કુલ રૂ. 14,69,272નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, પૂર્વ કચ્છના પ્રવેશદ્વાર સમાન આડેસર ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા નિયમિત વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. આ દરમિયાન શંકાસ્પદ જણાયેલી મહિન્દ્રા કંપનીની બોલેરો પીકઅપને અટકાવી તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. પ્રથમ નજરે સામાન્ય માલસામાન લઈ જતું જણાતું આ વાહન તપાસ દરમિયાન દારૂની હેરાફેરીનું માધ્યમ હોવાનું સામે આવ્યું હતું. વાહનના પાછળના ડાલામાં લીલો ઘાસચારો ભરવામાં આવ્યો હતો અને તેની નીચે ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હતો.
પોલીસે ઘાસચારો હટાવી તપાસ કરતાં વિવિધ બ્રાન્ડની વિસ્કી, બિયર અને વોડકાની કુલ 5,388 બોટલ તથા ટીન મળી આવ્યા હતા. દારૂના આ મોટા જથ્થા સાથે હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી બોલેરો પીકઅપ પણ કબજે લેવામાં આવી હતી. આમ, પોલીસને એક જ કાર્યવાહીમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી હતી.
પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. બોરીસાગર, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર બી.વી. ગાગીયા અને તેમની ટીમે સંયુક્ત પ્રયાસોથી આ સફળતા મેળવી હતી.
આ મામલે આડેસર પોલીસે બોલેરો પીકઅપના ચાલક સહિત તપાસમાં જેનાં નામ સામે આવશે તે તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કચ્છમાં ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો મેળવવા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar