



ભુજના હમીરસર તળાવની ઘટના : ફાયર વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મહિલાને સલામત બહાર કાઢી, એ-ડિવિઝન પોલીસ પણ ઘટનાસ્થળે જોડાઈ
કચ્છ, 17 નવેમ્બર (હિ.સ.) : શહેરના ઐતિહાસિક હમીરસર તળાવ નજીક આજે એક ચિંતાજનક ઘટના સામે આવી હતી. તળાવમાં કૂવા પાસે એક અજાણી મહિલા પાણીમાં ઝંપલાવવાની સ્થિતિમાં હોવાનું ધ્યાન પર આવતાં આસપાસના લોકોમાં ચકચાર મચી ગઈ હતી. જોકે, સ્થાનિકોની સમયસૂચકતા અને ભુજ ફાયર વિભાગની ત્વરિત કામગીરીના કારણે મહિલાનો જીવ બચાવી લેવામાં સફળતા મળી હતી. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને મહિલાને સુરક્ષિત બહાર કાઢી લેતાં એક સંભવિત દુર્ઘટના ટળી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભુજ ફાયર વિભાગમાં ફરજ બજાવતા ફાયરમેન ઈમ્તિયાઝ સમાના પરિચિતો દ્વારા તેમને ફોન મારફતે જાણ કરવામાં આવી હતી કે હમીરસર તળાવમાં કૂવા પાસે એક અજાણી મહિલા તળાવમાં ઝંપલાવવાનો પ્રયાસ કરી રહી છે. પરિસ્થિતિની ગંભીરતા સમજી ઈમ્તિયાઝ સમાએ તાત્કાલિક ભુજ ફાયર કંટ્રોલ રૂમને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. માહિતી મળતાં જ ફાયર વિભાગનો સ્ટાફ જરૂરી સાધનો સાથે વિલંબ કર્યા વગર ઘટનાસ્થળે દોડી ગયો હતો.
ઘટનાસ્થળે પહોંચેલી ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી મહિલાને પાણીમાંથી સુરક્ષિત બહાર કાઢી હતી. રેસ્ક્યુ બાદ મહિલાની પૂછપરછ કરવામાં આવી હતી અને જરૂરી પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ કરીને ભુજમાં રહેતા તેમના પરિચિતોને સોંપવામાં આવી હતી. મહિલાને કયા કારણોસર આવી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો તે અંગેની વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી. બનાવની જાણ થતાં એ-ડિવિઝન પોલીસનો સ્ટાફ પણ સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
આ બચાવ કામગીરીમાં ડી.સી.ઓ. રવિરાજ ગઢવી અને જીગ્નેશ જેઠવા ઉપરાંત ફાયરમેન ઈમ્તિયાઝ સમા, અસલમ પટ્ટણી, કમલેશ મતિયા, ઋષિ ગોર, મિત ગુસાઈ અને ખુશ અબોટી જોડાયા હતા. ફાયર વિભાગના કર્મચારીઓની સતર્કતા અને સમયસરની કામગીરીને પગલે મહિલાને સુરક્ષિત બચાવી શકાઈ હતી.
આ ઘટના માનવીય સંવેદનશીલતા અને સમયસરની મદદનું મહત્ત્વ સમજાવે છે. જીવનમાં ગમે તેવી મુશ્કેલી કે માનસિક તણાવનો સામનો કરવો પડે ત્યારે એકલા રહેવાને બદલે પરિવારજનો, વિશ્વાસુ વ્યક્તિઓ કે નિષ્ણાતની મદદ લેવી જરૂરી છે. મુશ્કેલ સમય કાયમી હોતો નથી, પરંતુ યોગ્ય સમયે મળેલો સહારો કોઈનું અમૂલ્ય જીવન બચાવી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar