



દરિયાઈ સુરક્ષાને લઈને મરીન ટાસ્ક ફોર્સ એક્શનમાં: અલગ-અલગ ટીમો દ્વારા બોટોની તપાસ, માછીમારોને પણ સતર્ક રહેવા અપાઈ સૂચના
કચ્છ, 17 નવેમ્બર (હિ.સ.) : કચ્છનો વિશાળ દરિયાકિનારો ભૌગોલિક અને વ્યૂહાત્મક દૃષ્ટિએ અત્યંત મહત્ત્વ ધરાવે છે. દરિયાઈ માર્ગે થતી સંભવિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સુરક્ષાના પડકારોને ધ્યાનમાં રાખીને કચ્છના દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે મરીન ટાસ્ક ફોર્સ જખૌ સેક્ટર દ્વારા દરિયાઈ વિસ્તારમાં વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી દરિયાઈ સુરક્ષાની સઘન સમીક્ષા કરવામાં આવી હતી.
મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ડીવાયએસપી આર.એમ. ચૌધરીના નેતૃત્વ હેઠળ મોહાડી, નિમલી વાંઢ, અલ્ટ્રાટેક જેટી, કરમટા અને ABG જેટી સહિતના દરિયાઈ વિસ્તારોમાં વિશેષ સુરક્ષા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન સમગ્ર વિસ્તારને અલગ-અલગ ઝોનમાં વહેંચીને પોલીસની વિવિધ ટીમો તૈનાત કરવામાં આવી હતી. ટીમો દ્વારા દરિયામાં અવરજવર કરતી બોટોની તપાસ કરવામાં આવી હતી તેમજ દરિયાઈ પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી હતી.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દરિયાઈ માર્ગે કોઈપણ શંકાસ્પદ હિલચાલને સમયસર ઓળખી શકાય અને દરિયાકાંઠાની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી શકાય તેવો હતો. ચેકિંગ દરમિયાન સ્થાનિક માછીમારો સાથે પણ સંવાદ સાધવામાં આવ્યો હતો. તેમને દરિયામાં માછીમારી દરમિયાન અજાણી વ્યક્તિઓ, શંકાસ્પદ હિલચાલ અથવા ઓળખ વગરની બોટ જોવા મળે તો તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવા સૂચના આપવામાં આવી હતી. ખાસ કરીને દરિયાઈ વિસ્તારમાં અજાણ્યા લોકોની અવરજવર અને શંકાસ્પદ બોટો અંગે સતત સતર્કતા જાળવવા ભાર મૂકાયો હતો.
સમગ્ર ગુજરાતના દરિયાકાંઠે સુરક્ષા અને તકેદારીના ભાગરૂપે વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. મરીન ટાસ્ક ફોર્સના ADGP અમિત વિશ્વકર્મા, DIGP એ.એમ. મુનિયા અને SP એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
કચ્છનો દરિયાકિનારો દેશની સુરક્ષા માટે સંવેદનશીલ હોવાથી પોલીસ અને સુરક્ષા એજન્સીઓની સતત સતર્કતા અત્યંત જરૂરી છે. મરીન કમાન્ડોની આ વિશેષ ચેકિંગ ડ્રાઈવથી દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષાની દેખરેખ વધુ મજબૂત બનવાની સાથે માછીમારો અને સ્થાનિક લોકોમાં પણ સુરક્ષા પ્રત્યે જાગૃતિનો સંદેશ પહોંચ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar