
કચ્છ, 17 નવેમ્બર (હિ.સ.) : ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકોને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહેલી કાર્યવાહી અંતર્ગત ગાંધીધામ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને મહત્વની સફળતા મળી છે. ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત SOGની ટીમે મેઘપર બોરીચી વિસ્તારમાંથી બાંગ્લાદેશની હોવાનું સામે આવેલી બે મહિલાઓને ઝડપી પાડી છે. પ્રાથમિક તપાસમાં બંને મહિલાઓ ભારતીય પાસપોર્ટ અને વિઝા વિના ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશી હોવાની વિગતો સામે આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, SOG પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળાના માર્ગદર્શન હેઠળ ટીમના વિરેન્દ્રસિંહ પુરોહિત અને પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ દવેને ખાનગી રાહે બાતમી મળી હતી કે મેઘપર બોરીચી ખાતે હ્યુન્ડાઈ શો-રૂમ નજીક આવેલા રેલવે ઓવરબ્રિજ પાસે બે શંકાસ્પદ મહિલાઓ હાજર છે. આ મહિલાઓ બાંગ્લાદેશી નાગરિક હોવાની આશંકાને પગલે SOGની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગુપ્ત રીતે તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન બંને મહિલાઓ મળી આવતાં તેમની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમની પાસેથી બાંગ્લાદેશી નાગરિક હોવા અંગેના પુરાવા મળી આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. વધુ તપાસમાં મહિલાઓની ઓળખ સાથી હુશેન સીકધાર (ઉંમર 32 વર્ષ) અને મીનારા બેગમ (ઉંમર 29 વર્ષ) તરીકે થઈ હતી. બંને મહિલાઓ મૂળ બાંગ્લાદેશના ગોપાલગંજ અને ખુલના જિલ્લાના અલગ-અલગ ગામોની રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસમાં સાથી હુશેન સીકધાર હાલ સુરતના અડાજણ પાટિયા, પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતી હોવાનું જ્યારે મીનારા બેગમ મુંબઈના નાલાસોપારા વિસ્તારમાં રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. બંને મહિલાઓ ભારતમાં રહેવા માટે જરૂરી પાસપોર્ટ તથા ભારતીય વિઝા વિના મળી આવતાં પોલીસે તેમને અટકાયતમાં લીધી હતી.
ત્યારબાદ બંને મહિલાઓને અંજાર પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ સ્ટેશન ડાયરીમાં નોંધ કરવામાં આવી હતી. હાલ SOG દ્વારા આ મામલે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિદેશી નાગરિકો ભારતમાં કયા માર્ગે પ્રવેશ્યા, કેટલા સમયથી અહીં વસવાટ કરતા હતા તેમજ તેમની સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે કેમ તે સહિતના પાસાઓ તપાસનો વિષય બન્યા છે.
ગાંધીધામ SOGની આ કામગીરીથી ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકોને શોધી કાઢવાની પોલીસની ઝુંબેશને વધુ એક સફળતા મળી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar