કંડલા-ગાંધીધામ માર્ગે બાવળોની ઝાડીમાં છુપાવેલો 240 લીટર શંકાસ્પદ સી.પી.યુ. તેલનો જથ્થો ઝડપાયો! પોલીસના દરોડામાં એક શખ્સ પકડાયો
નીલકંઠ પાર્કિંગ નજીકથી 8 કેરબા કબજે, રૂ.14,400ની કિંમતનો જથ્થો મળી આવતાં ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસની કાર્યવાહી કચ્છ, 17 નવેમ્બર (હિ.સ.) : કચ્છમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને બાતમીના આધારે તપાસ કરવામાં
સીપીયુ ઓઈલ સાથે પકડાયેલ આરોપી


નીલકંઠ પાર્કિંગ નજીકથી 8 કેરબા કબજે, રૂ.14,400ની કિંમતનો જથ્થો મળી આવતાં ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસની કાર્યવાહી

કચ્છ, 17 નવેમ્બર (હિ.સ.) : કચ્છમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને બાતમીના આધારે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે કંડલાથી ગાંધીધામ તરફ આવતા માર્ગ પર નીલકંઠ પાર્કિંગ નજીક આવેલી બાવળોની ઝાડીમાં સંતાડી રાખવામાં આવેલા શંકાસ્પદ સી.પી.યુ. તેલના જથ્થાનો પર્દાફાશ કરવામાં ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસને સફળતા મળી છે. પોલીસે સ્થળ પરથી 240 લીટર શંકાસ્પદ સી.પી.યુ. તેલ સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, સરહદી રેન્જ-ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એ.વી. રાજગોર દ્વારા જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા પોલીસ તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કંડલાથી ગાંધીધામ તરફ આવતા નીલકંઠ પાર્કિંગની બાજુમાં આવેલી બાવળોની ઝાડીમાં હરભમ રબારી નામના ઇસમે શંકાસ્પદ સી.પી.યુ. તેલનો જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી રાખ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. જ્યાં તપાસ દરમિયાન હરભમ હિરાભાઈ રબારી (ઉંમર 30 વર્ષ), રહે. શાંતિધામ, તા. અંજાર, મૂળ દેશલપર, તા. રાપર, મળી આવતાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો.

પોલીસે તેની પાસેથી 30 લીટરની ક્ષમતાવાળા સી.પી.યુ. તેલ ભરેલા કુલ આઠ કેરબા કબજે કર્યા હતા. આ તમામ કેરબામાં મળીને કુલ 240 લીટર શંકાસ્પદ તેલનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ.14,400 થાય છે.

આ મામલે પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 106 તથા 35(1)(ઈ) હેઠળ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. આ શંકાસ્પદ તેલ ક્યાંથી મેળવવામાં આવ્યું હતું અને તેનો ઉપયોગ કે વેચાણ ક્યાં કરવાનું હતું તે સહિતની બાબતો તપાસનો વિષય બની છે. પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે શંકાસ્પદ જથ્થાનો સંગ્રહ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande