કચ્છના મુંદરામાં પવન ઊર્જા ક્ષેત્રે ભારતની ઐતિહાસિક સિદ્ધિ! 91.2 મીટરની દેશની સૌથી લાંબી વિન્ડ ટર્બાઇન બ્લેડનું ઉત્પાદન શરૂ
અદાણી વિન્ડ દ્વારા નવી ટેક્નોલોજી સાથે 5 મેગાવોટ ક્ષમતાના ટર્બાઇન માટે વિશાળ બ્લેડનું નિર્માણ, ભારતના પવન ઊર્જા ક્ષેત્રને મળશે નવી દિશા કચ્છ, 17 નવેમ્બર (હિ.સ.) : ઔદ્યોગિક અને આધુનિક ટેક્નોલોજીના ક્ષેત્રમાં કચ્છ વધુ એક મોટી સિદ્ધિ તરફ આગળ વધ્યું છ
સૌથી લાંબી વિન્ડ બ્લેડ


અદાણી વિન્ડ દ્વારા નવી ટેક્નોલોજી સાથે 5 મેગાવોટ ક્ષમતાના ટર્બાઇન માટે વિશાળ બ્લેડનું નિર્માણ, ભારતના પવન ઊર્જા ક્ષેત્રને મળશે નવી દિશા

કચ્છ, 17 નવેમ્બર (હિ.સ.) : ઔદ્યોગિક અને આધુનિક ટેક્નોલોજીના ક્ષેત્રમાં કચ્છ વધુ એક મોટી સિદ્ધિ તરફ આગળ વધ્યું છે. મુંદરા ખાતે અદાણી જૂથ દ્વારા ભારતની અત્યાર સુધીની સૌથી લાંબી 91.2 મીટર લંબાઈ ધરાવતી વિન્ડ ટર્બાઇન બ્લેડનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. દેશના પવન ઊર્જા ઉત્પાદન ક્ષેત્રમાં આ મહત્વપૂર્ણ વિકાસ માનવામાં આવી રહ્યો છે. આ સિદ્ધિ સાથે મુંદરા આગામી પેઢીના વિશાળ પવન ટર્બાઇનના ઉત્પાદન માટેની ભારતની વધતી ક્ષમતાનું કેન્દ્ર બન્યું છે.

આ વિશાળ બ્લેડની વિશેષતા તેની લંબાઈ અને કાર્યક્ષમતામાં રહેલી છે. તેની લંબાઈ લગભગ સાડા ત્રણથી વધુ ફૂટબોલ મેદાનોની લંબાઈ જેટલી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ બ્લેડનો ઉપયોગ MWL185-5.0 MW પ્લેટફોર્મમાં કરવામાં આવશે, જેમાં 185 મીટર વ્યાસનું રોટર અને 140 મીટરની હબ ઊંચાઈ ધરાવતી ટર્બાઇન ડિઝાઇન કરવામાં આવી છે. આટલા વિશાળ કદનું રોટર આશરે 26,600 ચોરસ મીટર વિસ્તારને આવરી લેવાની ક્ષમતા ધરાવે છે, જેના કારણે પવનમાંથી વધુ ઊર્જા મેળવવાની સંભાવના વધે છે.

આ ટેક્નોલોજીનું મુખ્ય લક્ષ્ય પવનની વિવિધ ગતિનો મહત્તમ ઉપયોગ કરીને વીજળીનું ઉત્પાદન વધુ કાર્યક્ષમ બનાવવાનું છે. ખાસ કરીને જ્યાં પવનની ગતિ પ્રમાણમાં ઓછી હોય તેવા વિસ્તારોમાં પણ વિશાળ બ્લેડની મદદથી વધુ ઊર્જા મેળવી શકાય છે. પરિણામે પવન ઊર્જા પ્રોજેક્ટ માટે યોગ્ય ભૌગોલિક વિસ્તારોનો વ્યાપ વધવાની સાથે કેપેસિટી યુટિલાઇઝેશન ફેક્ટરમાં પણ સુધારો થવાની અપેક્ષા છે.

મુંદરા પ્લાન્ટમાં અગાઉ 78.6 મીટર અને 80.5 મીટરની બ્લેડનું ઉત્પાદન થતું હતું. હવે 91.2 મીટરની બ્લેડ બનાવવાની ક્ષમતા પ્રાપ્ત થવી એ એન્જિનિયરિંગ, આધુનિક મટિરિયલ, ડિઝાઇન અને ઉત્પાદન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે.

અદાણી વિન્ડે જર્મનીની ટેક્નોલોજી કંપની W2E (Wind to Energy) સાથે મળીને MWL185-5.0 પ્લેટફોર્મ વિકસાવ્યું છે. આ પ્લેટફોર્મને આંતરરાષ્ટ્રીય IEC 61400 શ્રેણીના ધોરણો અનુસાર પ્રમાણપત્ર પણ મળ્યું છે.

અદાણી વિન્ડના સીઈઓ મિલિંદ કુલકર્ણીના જણાવ્યા મુજબ, આ સિદ્ધિ કંપની ઉપરાંત સમગ્ર ભારતીય વિન્ડ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. મુંદરામાં શરૂ થયેલું આ ઉત્પાદન ભારતને પવન ઊર્જાના આધુનિક સાધનોના નિર્માણમાં વધુ આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande