કચ્છમાં NTPCના સોલાર પ્રોજેક્ટ સામે 11 ગામોનો મોરચો! 4,200 એકર જમીન પર વિકાસના નામે પર્યાવરણ સાથે ચેડાંના આક્ષેપ,
નખત્રાણા તાલુકાના ફુલાય-છારી નજીક 300 મેગાવોટના સોલાર પ્રોજેક્ટનો વિરોધ ઉગ્ર બન્યો; તળાવો, ચરિયાણ અને કુદરતી વનસ્પતિને નુકસાન થતું હોવાનો ગ્રામજનોનો આરોપ કચ્છ, 17 નવેમ્બર (હિ.સ.) : એક તરફ દેશમાં સ્વચ્છ ઊર્જા અને સૌર ઊર્જાના ઉત્પાદનને પ્રોત્સાહન આપ
NTPC સોલાર પ્રોજેક્ટ વિરોધ


NTPC સોલાર પ્રોજેક્ટ વિરોધ


NTPC સોલાર પ્રોજેક્ટ વિરોધ


NTPC સોલાર પ્રોજેક્ટ વિરોધ


નખત્રાણા તાલુકાના ફુલાય-છારી નજીક 300 મેગાવોટના સોલાર પ્રોજેક્ટનો વિરોધ ઉગ્ર બન્યો; તળાવો, ચરિયાણ અને કુદરતી વનસ્પતિને નુકસાન થતું હોવાનો ગ્રામજનોનો આરોપ

કચ્છ, 17 નવેમ્બર (હિ.સ.) : એક તરફ દેશમાં સ્વચ્છ ઊર્જા અને સૌર ઊર્જાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ કચ્છના નખત્રાણા તાલુકામાં NTPCના સોલાર પ્રોજેક્ટને લઈને સ્થાનિક સ્તરે વિરોધનો વંટોળ ઊભો થયો છે. ફુલાય-છારી નજીક આશરે 4,200 એકર વિસ્તારમાં નિર્માણાધીન 300 મેગાવોટના સોલાર પ્રોજેક્ટ સામે આસપાસનાં 11 ગામોના લોકો લાંબા સમયથી વિરોધ નોંધાવી રહ્યા છે. ગ્રામજનોના વિરોધ અને પર્યાવરણને લઈને ઊઠેલા સવાલો વચ્ચે કંપની દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવતાં મામલો હવે વધુ ગંભીર બન્યો છે.

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પ્રોજેક્ટના કામકાજને કારણે કુદરતી પર્યાવરણ, પરંપરાગત ચરિયાણની જમીન અને સ્થાનિક જળસ્રોતો પર વિપરીત અસર પડી રહી છે. ખાસ કરીને દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં પાણી અને ઘાસચારાની અછતનો સામનો કરી રહેલા પશુપાલકો માટે મુશ્કેલીઓ વધી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ તળાવ બંધ થવાથી પશુઓને પાણી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે, જ્યારે ચરિયાણની જમીન અને વનસ્પતિ સાફ કરાતાં માલધારીઓની આજીવિકા સામે પણ પ્રશ્નો ઊભા થયા છે.

મોતીચૂર ગામ નજીક પહાડોનું ખોદકામ કરવામાં આવ્યું હોવા સાથે તળાવને પણ નુકસાન પહોંચાડાયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ મુદ્દે માત્ર ગ્રામજનો જ નહીં, પરંતુ પર્યાવરણપ્રેમીઓ અને પક્ષીપ્રેમીઓ દ્વારા પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બીજી તરફ, પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાતાં વિવાદે નવો વળાંક લીધો છે. આમ આદમી પાર્ટીનાં પ્રમુખ કાયનાત અન્સારી અને ઈશાક જત સહિત અન્ય અજાણ્યા વ્યક્તિઓ સામે નિરોણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદમાં 20થી 25 લોકોના ટોળાએ પ્રોજેક્ટ વિસ્તારમાં પ્રવેશ કરી કામગીરી અટકાવી હોવાનો તેમજ ફરી કામ શરૂ કરાશે તો જોઈ લેવાની ધમકી આપ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કાયનાત અન્સારીએ પોલીસ કાર્યવાહીને ખોટી ગણાવી છે. તેમનો અને ગ્રામજનોનો આરોપ છે કે પોલીસ દ્વારા બંને પક્ષની વાત સાંભળ્યા વિના માત્ર કંપનીના જવાબદારોનાં નિવેદનોના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. વિરોધના કાર્યક્રમો વખતે પોલીસ તાત્કાલિક પહોંચી જાય છે, પરંતુ ગ્રામજનો પોતાની રજૂઆત કરવા જાય ત્યારે તેમની વાત સાંભળવા તંત્ર કેમ આગળ આવતું નથી તેવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે. પોલીસ કંપની તરફી વલણ અપનાવી રહી હોવાના આક્ષેપો પણ ગ્રામજનો કરી રહ્યા છે.

સમગ્ર મામલે હવે વિકાસલક્ષી ઊર્જા પ્રોજેક્ટ અને સ્થાનિક પર્યાવરણ, પશુપાલન તથા ગ્રામજનોના હિત વચ્ચે સંઘર્ષની સ્થિતિ સર્જાઈ છે. એક તરફ કંપનીની કામગીરી ચાલુ છે, તો બીજી તરફ 11 ગામોના લોકો પોતાની જમીન, પાણી અને કુદરતી સંસાધનોના રક્ષણ માટે લડત ચાલુ રાખવાના મિજાજમાં છે. આવનારા દિવસોમાં વહીવટી તંત્ર અને પોલીસ આ વિવાદનો ઉકેલ લાવવા શું પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande